Monday, June 23, 2025
More

    ‘વક્ફ ઇસ્લામનો આવશ્યક ભાગ નથી, તે ફક્ત દાન છે’: કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં મૂક્યો પક્ષ, કહ્યું- સરકારી જમીન પર દાવો કરવાનો નથી કોઈ અધિકાર

    ગઈકાલે કેન્દ્ર સરકારે વક્ફ કાયદા (Waqf Act) પર સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) પોતાની દલીલો રજૂ કરી હતી. સરકારે કહ્યું, “વક્ફ એક ઇસ્લામિક વિચાર છે, ઇસ્લામનો આવશ્યક ભાગ નથી (not an essential part of Islam). તેથી, તેને બંધારણ હેઠળ મૂળભૂત અધિકાર તરીકે ગણી શકાય નહીં.”

    બુધવારે (21 મે, 2025) સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની દલીલો ત્રણ કલાકથી વધુ સમય સુધી સાંભળી, જેમાં વક્ફ સુધારા અધિનિયમ 2025 પર સ્ટેનો વિરોધ કરવામાં આવ્યો હતો. સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ (એસજી) તુષાર મહેતાએ કહ્યું કે જ્યાં સુધી વક્ફને ઇસ્લામનો આવશ્યક ભાગ ન ગણવામાં આવે ત્યાં સુધી અન્ય કોઈ દલીલોનો કોઈ અર્થ નથી.

    મહેતાએ કાયદાનો બચાવ કરતા કહ્યું કે કોઈપણ વ્યક્તિને સરકારી જમીન પર દાવો કરવાનો અધિકાર નથી, ભલે તેને વક્ફ તરીકે જાહેર કરવામાં આવી હોય. સોલિસિટર જનરલે વધુમાં કહ્યું, “વક્ફ મિલકત મૂળભૂત અધિકાર નથી. તેને કાયદા દ્વારા માન્યતા આપવામાં આવી છે. જો કાયદાકીય નીતિ હેઠળ કોઈ અધિકાર આપવામાં આવે છે, તો તે હંમેશા પાછો લઈ શકાય છે.”