મહારાષ્ટ્રના અહમદનગરમાં વક્ફ બોર્ડે કનિફનાથ (Kanifnath Temple) મંદિરના આસપાસની 40 એકર જમીન જપ્ત કરી લીધી છે. વક્ફ બોર્ડે (Waqf Board) દાવો કર્યો છે કે, તે જમીન દરગાહની છે. જાણવા મળી રહ્યું છે કે, આ અંગેનો વિવાદ 2005થી ચાલી રહ્યો છે, તે સમયે કથિત રીતે તે જમીનને વક્ફ અધિનિયમ હેઠળ નોંધવામાં આવી હતી. જે બાદ હવે કાયદાકીય લડાઈ પણ ચાલી રહી છે.
રિપબ્લિક મીડિયા નેટવર્ક અનુસાર, વક્ફે પોતાની માલિકી દર્શાવતું બોર્ડ પણ તે જમીન પર લગાવી દીધું છે. જેના કારણે મંદિરના ટ્રસ્ટીઓ સાથે અથડામણની સ્થિતિ ઊભી થઈ છે. મંદિરના ટ્રસ્ટીઓએ પોતાના દાવાના સમર્થનમાં ઐતિહાસિક અભિલેખોનો હવાલો પણ આપ્યો છે.
કનિફનાથ મંદિરના ટ્રસ્ટી શ્રીહરિ આંબેકરે જણાવ્યું હતું કે, “જમીન શંકરભાઈની પત્ની બીબનને કેરટેકર તરીકે સોંપવામાં આવી હતી. અમારા ટ્રસ્ટ પાસે પૂર્વ-બ્રિટિશ યુગના દસ્તાવેજો છે, જે અમારી માલિકીનું સમર્થન કરે છે, જેને રાહુરીની જિલ્લા અદાલતે માન્યતા પણ આપી છે.”
આંબેકરે ઉમેર્યું હતું કે 2005 માં, કેટલાક સ્થાનિક મુસ્લિમ રહેવાસીઓએ કથિત રીતે નોંધણી પ્રક્રિયામાં યોગ્ય પ્રક્રિયાઓને નજરઅંદાજ કરી હતી, જેથી મુખ્ય વકફ કાયદાના નિયમોનું ઉલ્લંઘન થયું હતું. તેમણે તે વાત પર ભાર આપ્યો હતો કેમંદિરના ટ્રસ્ટીઓને નોંધણી અંગે જાણ કરવામાં આવી ન હતી, જેના કારણે તણાવ વધ્યો હતો.