Friday, April 25, 2025
More

    વક્ફ બિલ બંને સદનોમાંથી પસાર થતા જ યોગી સરકાર એક્શનમાં: ખોટી રીતે વકફ ઘોષિત કરાયેલ મિલકતોનું લિસ્ટ બનાવવા જિલ્લાધિકારીઓને અપાયો આદેશ

    લોકસભા અને રાજ્યસભા બંનેમાંથી મોદી સરકારનું વકફ સુધારા બિલ (Waqf Amendment Bill Passed) બહુમતીથી પસાર થઈ ચૂક્યું છે. હવે માત્ર રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલાશે બિલ અને જે બાદ તે એક કાયદાનું રૂપ ધારણ કરશે. આ સાથે જ હવે ઉત્તર પ્રદેશની યોગી સરકાર (UP Yogi Government) એક્શન મોડમાં આવી ગઈ છે અને દરેક જિલ્લાધિકારીઓને વિશેષ આદેશો આપી દેવામાં આવ્યા છે.

    વકફ સુધારા બિલ પસાર થતાં જ યોગી સરકારે વકફ બોર્ડ દ્વારા ગેરકાયદેસર પોતાની જાહેર કરાયેલી મિલકતો સામે કડક વલણ અપનાવવાનું શરૂ કરી દીધું છે. સરકારે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને એવી વકફ મિલકતોને ઓળખવા માટે ઝુંબેશ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે જે મહેસૂલ રેકોર્ડમાં નોંધાયેલી નથી અને જેને નિયમો વિરુદ્ધ વકફ જાહેર કરવામાં આવી છે. આ મિલકતોની ઓળખ કરવામાં આવશે અને બાદમાં જપ્તીની કાર્યવાહી કરવામાં આવશે.

    મહેસૂલ વિભાગના જણાવ્યા અનુસાર, યુપીમાં વક્ફ બોર્ડ દ્વારા દાવો કરાયેલી મોટાભાગની મિલકતોનો કોઈ સત્તાવાર રેકોર્ડ નથી. મહેસૂલ રેકોર્ડ મુજબ, સુન્ની વક્ફ બોર્ડમાં ફક્ત 2,533 મિલકતો નોંધાયેલી છે. જ્યારે શિયા વક્ફ બોર્ડની માત્ર 430 મિલકતો જ સત્તાવાર રીતે નોંધાયેલી છે. જ્યારે વક્ફ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા આંકડા આના કરતા ઘણા વધારે છે. સુન્ની વકફ બોર્ડ પાસે 1,24,355 મિલકતો છે અને શિયા વકફ બોર્ડ પાસે 7,785 મિલકતો છે.