Monday, April 7, 2025
More

    ઇંતજારની ઘડીઓ થઈ ખતમ, બુધવારે (2 એપ્રિલ, 2025) 12ના ટકોરે લોકસભામાં વક્ફ બિલ લાવશે મોદી સરકાર: 8 કલાક ચાલશે ચર્ચા

    બુધવારે (2 એપ્રિલ, 2025) 12 કલાકના ટકોરે લોકસભામાં (Lok Sabha) વક્ફ બિલ (Waqf Amendment Bill) રજૂ કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજુજુએ માહિતી આપતા જણાવ્યું છે કે, બિલ પર 8 કલાક સુધી ચર્ચા કરવામાં આવશે. જોકે, વિપક્ષી દળોએ બિલ પર 12 કલાકની ચર્ચાની માંગણી કરી હતી. પરંતુ, ચર્ચા માટે 8 કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે.

    વધુમાં NDAના તમામ સાંસદોને વ્હીપ જાહેર કરવામાં આવ્યો છે. એટલે તમામ સંસદસભ્યોને હાજર રહેવું ફરજિયાત છે. 2 એપ્રિલના રોજ તમામ સભ્યોની હાજરી સુનિશ્ચિત કરવા માટેનું કહેવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજુજુએ કહ્યું છે કે, જે સાંસદને વક્ફ બિલ પર બોલવાની તક મળે તેઓ સમયનું ધ્યાન રાખીને મુખ્ય મુદ્દાઓ પર જ ચર્ચા કરે.

    વધુમાં તેમણે કહ્યું છે કે, “લોકસભાની બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠકમાં મેં સમિતિ સામે પ્રસ્તાવ રાખ્યો હતો કે, કાલે 2 એપ્રિલે અમે વક્ફ સંશોધન બિલ લાવી રહ્યા છીએ અને તેના પર ચર્ચા માટે અમારે સમય ફાળવવો પડશે. અંતમાં તે વાત પર સહમતી બની છે કે, વક્ફ સંશોધન બિલ પર ચર્ચા માટે 8 કલાકનો સમય આપવામાં આવશે અને સદનની સહમતી પર તેને વધારી પણ શકાશે.”