Sunday, April 6, 2025
More

    સંસદે પસાર કરેલા વક્ફ બિલને રાષ્ટ્રપતિની સત્તાવાર મંજૂરી: હવે લાગુ થશે નવો કાયદો, વક્ફ બોર્ડની શક્તિઓ પર લાગશે લગામ

    સંસદનાં બંને ગૃહોએ પસાર કરેલા વક્ફ (સંશોધન) બિલ, 2025ને રાષ્ટ્રપતિએ ઔપચારિક મંજૂરી આપી દીધી છે અને તેની સાથે જ હવે વક્ફ (સંશોધન) અધિનિયમ, 2025 બની ગયો છે. શનિવારે (5 એપ્રિલ) એક અધિસૂચના બહાર પાડીને રાષ્ટ્રપતિ ભવન દ્વારા સત્તાવાર જાણકારી આપવામાં આવી. 

    રાષ્ટ્રપતિ ભવન દ્વારા જણાવવામાં આવ્યું કે સંસદ દ્વારા પારિત ખરડાને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી આપવામાં આવે છે. રાષ્ટ્રપતિએ મુસલમાન વક્ફ (નિરસન) બિલને પણ મંજૂરી આપી છે, જે 1923ના એક બિનઉપયોગી કાયદાને રદ કરવા માટે લાવવામાં આવ્યું હતું. 

    ઉલ્લેખનીય છે કે આ સપ્તાહે જ વક્ફ બિલ સંસદનાં બંને ગૃહમાં રજૂ કરવામાં આવ્યું હતું. પહેલાં લોકસભામાં જતાં ત્યાં 13 કલાકની ચર્ચા બાદ મધ્ય રાત્રિએ બહુમતી સાથે બિલ પસાર કરવામાં આવ્યું. બિલના સમર્થનમાં 288, જ્યારે વિરોધમાં 232 મત પડ્યા હતા. 

    ત્યારબાદ બીજા દિવસે બિલ રાજ્યસભામાં મોકલવામાં આવ્યું. અહીં પણ 12 કલાકની ચર્ચા અને 2 કલાકના મતદાન બાદ રાત્રે બિલ પસાર કરવામાં આવ્યું. રાજ્યસભામાં બિલ 128-95થી પસાર થયું હતું. 

    આ નવો અધિનિયમ આવતાંની સાથે જ કોંગ્રેસ સરકાર વખતેનો જૂનો કાયદો ભૂતકાળ બની ગયો છે અને વક્ફ બોર્ડની અસીમિત અને અમાપ શક્તિઓ પર નિયંત્રણ લાદી દેવામાં આવ્યું છે.