27 જાન્યુઆરીએ સંસદીય સંયુક્ત સમિતિએ (Joint Parliamentary Committee) વક્ફ બિલમાં (Waqf Amendment Bill 2024) સંશોધન કરી ફેરફાર કરવાની મંજૂરી આપી હતી. આ બિલ ગત વર્ષે ઑગસ્ટ મહિનામાં સંસદના ચોમાસું સત્ર દરમિયાન 14 ફેરફારો સાથે રજૂ કરવામાં આવ્યું હતું. જોકે, ભાજપના સાંસદ જગદંબિકા પાલે 44 ફેરફારોનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને વિપક્ષી સભ્યોએ નકારી કાઢ્યો હતો. ત્યારે હવે બજેટ સત્ર દરમિયાન સંયુક્ત સમિતિએ (JPC) તૈયાર કરેલ અહેવાલ સંસદમાં રજૂ કરવામાં આવશે.
નોંધનીય છે કે, વક્ફ બિલ માટે બનાવાયેલી, ભાજપના સાંસદ જગદંબિકા પાલના નેતૃત્વ હેઠળની સંસદીય સંયુક્ત સમિતિને કુલ 66 દરખાસ્તો આપવામાં આવી હતી. જેમાંથી 23 શાસક NDAના સાંસદોએ અને 44 વિપક્ષી સભ્યોએ આપેલ હતી. જોકે, સમિતિના સભ્યોએ મતદાન કર્યા પછી વિપક્ષે પ્રસ્તાવિત કરેલ ફેરફારોને નકારી કાઢવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આ વક્ફ બિલમાં સુધારણા માટે બનાવાયેલ આ સમિતિમાં 16 સાંસદો ભાજપ તથા તેના સાથી પક્ષોના છે, જ્યારે વિપક્ષના 10 સાંસદો છે. આ 14 ફેરફારોની સ્વીકૃતિ માટે 29 જન્યુઆરીએ મતદાન કરવામાં આવશે તથા 31 જાન્યુઆરી સુધી આ અહેવાલ સબમિટ કરવામાં આવશે. આ અગાઉ આ રિપોર્ટ 29 નવેમ્બરે રજૂ કરવાનો હતો, જોકે પછીથી સમય મર્યાદા વધારવામાં આવી હતી.
નોંધનીય છે કે, આ પહેલાં 24 જાન્યુઆરીએ થયેલ બેઠકમાં વિપક્ષી દળોએ હોબાળો મચાવી ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે દિલ્હી ચૂંટણીના કારણે ભાજપ આ અહેવાલ સંસદમાં ઝડપથી રજૂ કરવા માંગે છે. આ હોબાળાના પગલે સમિતિએ કલ્યાણ બેનર્જી અને ઓવૈસી સહિત 10 વિપક્ષી સાંસદોને એક દિવસ માટે સસ્પેન્ડ કરી દીધા હતા.
જોકે, વિપક્ષના આરોપોના જવાબમાં JPC અધ્યક્ષ જગદંબિકા પાલે કહ્યું હતું કે, બેઠકની કાર્યવાહી અટકાવવી એ વિપક્ષી દળોની રણનીતિનો એક ભાગ છે અને તેઓ નથી ઇચ્છતા કે રિપોર્ટ રજૂ કરવામાં આવે. નોંધનીય છે કે, વક્ફ સંશોધન બિલ 2024નો ઉદ્દેશ્ય ડિજિટાઇઝેશન, વધુ સારા ઓડિટ, પારદર્શિતા અને ગેરકાયદેસર રીતે કબજે કરેલી મિલકતોની પુનઃપ્રાપ્તિ માટે કાનૂની પ્રણાલીમાં સુધારા લાવવાનો છે.