Sunday, June 22, 2025
More

    જે મોહમ્મદ હારુન જાસૂસીના આરોપમાં પકડાયો, તે જઈ આવ્યો હતો પાકિસ્તાન, પરિવારે કહ્યું– બીજી પત્નીને મળવા માટે જતો

    યુપી ATSએ તાજેતરમાં જ દિલ્હીના સીલમપુર ખાતેથી પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં મોહમ્મદ હારુનની ધરપકડ કરી હતી. તેના પર આરોપ છે કે, તે પાકિસ્તાન હાઈકમિશનના અધિકારીઓ સાથે મળીને સંવેદનશીલ માહિતી પાકિસ્તાનને આપતો હતો. આ સમગ્ર કાર્યવાહી વચ્ચે આરોપીના પરિવારે પણ તે સ્વીકાર્યું છે કે, હારુન તેની બીજી બેગમને મળવા માટે પાકિસ્તાન જતો હતો.

    પત્રકારો સાથે વાત કરતા હારુનના ભાઈ વસીમે કહ્યું હતું કે, સાદા કપડાંમાં કેટલાક લોકો તેના ઘરે આવ્યા હતા અને હારુન વિશે પૂછપરછ કરી હતી. ત્યારબાદ તે લોકો હારુનને લઈને જતાં રહ્યા હતા. સ્થાનિક પોલીસને પૂછતાં તેમણે કહ્યું હતું કે, હારુન યુપી ATSની કસ્ટડીમાં છે. વસીમે એ પણ જણાવ્યું છે કે, હારુન 5 એપ્રિલના રોજ પાકિસ્તાન ગયો હતો અને 25 એપ્રિલના રોજ પરત ફર્યો હતો.

    વસીમે વારંવાર એ જ કહ્યું હતું કે, તેનો ભાઈ નિર્દોષ છે. જોકે, તેણે એવું પણ કહ્યું હતું કે, હારુન અવારનવાર પાકિસ્તાન જતો હતો, કારણ કે તેણે બીજા નિકાહ પાકિસ્તાનમાં કર્યા હતા. આરોપીની અમ્મીએ મુઝમ્મિલ નામના એક શખ્સની નામ લીધું હતું અને કહ્યું હતું કે, તેણે જ તેના દીકરાને ફસાવ્યો છે. નોંધનીય છે કે, 45 વર્ષીય હારુન ભંગારનું કામ કરતો હતો અને તેના પર દેશવિરોધી કૃત્યનો આરોપ છે.