Tuesday, March 18, 2025
More

    આફ્રિકી દેશ ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન હિંસા, 56ના મોત: રેફરીના નિર્ણયથી ભડકી ઉઠી હતી ભીડ

    ફૂટબોલ (FootBall) પ્રત્યેનો જુસ્સો ક્યારેક ખતરનાક વળાંક લે છે. દક્ષિણ આફ્રિકાના એક નાનકડા દેશ ગિનીમાં આવેલા (Guinea) N’Zérékor શહેરમાં રવિવાર (1 ડિસેમ્બર 2024)ના રોજ યોજાયેલી ફૂટબોલ મેચમાં રેફરીના વિવાદાસ્પદ નિર્ણય બાદ વાતાવરણ હિંસક (Violence) બન્યું હતું. થોડી જ વારમાં, ચાહકો વચ્ચે ઘર્ષણ ફાટી નીકળ્યું, જેના પરિણામે મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા.

    મળતી માહિતી અનુસાર, આ હિંસામાં 56થી વધુ લોકોના મોત થયા છે. હોસ્પિટલો અને શબઘરો મૃતદેહોથી ભરેલા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં હોસ્પિટલના કોરિડોરમાં મૃતદેહો જોવા મળ્યા હતા અને ગુસ્સે થયેલા લોકો જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડતા પણ જોવા મળ્યા હતા.

    પ્રદર્શનકારીઓએ પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી અને તેને આગ ચાંપી દેતાં અથડામણ વધી હતી. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, આ બધું રેફરીના નિર્ણયથી શરૂ થયું હતું, જેના કારણે નારાજ ચાહકોએ મેદાનમાં જ હુમલો કરી દીધો હતો.

    આ મેચ ગિનીના મિલીટરી જુન્ટા નેતા મામાદી ડોંબૌયાના સન્માનમાં આયોજિત ટુર્નામેન્ટનો એક ભાગ હતો. 2021માં બળવો કરીને સત્તામાં આવેલા ડોંબૌયાના આયોજનમાં બનેલી ઘટનાએ આખા દેશમાં હાહાકાર મચાવ્યો છે.