Tuesday, March 18, 2025
More

    મણિપુરમાં ફરી ભડકી ઉઠી હિંસા: કુકી ટોળાંએ પ્રદર્શનની આડમાં પોલીસ પર પર કર્યો હુમલો, લોહીલુહાણ જોવા મળ્યા SP

    શુક્રવારે (3 જાન્યુઆરી) મણિપુરમાં ફરી હિંસા (Manipur Violence) ભડકી ઉઠી હતી. જાણવા મળી રહ્યું છે કે, મણિપુરના કાંગપોકપી (Kangpokpi) જિલ્લાના સૈબોલ ગામમાં કુકી ટોળાંએ પોલીસ પર હુમલો (Kuki Mob Attack On Police) કરી દીધો હતો. માહિતી અનુસાર, કુકીઓના ટોળાંએ SP ઓફિસ અને ડેપ્યુટી કમિશનરની ઓફિસ પર હુમલો કરી દીધો હતો.

    સાથે એ પણ જાણવા મળી રહ્યું છે કે, આ હુમલામાં SP મનોજ પ્રભાકર ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમના માથા પર ગંભીર ઈજા થઈ હોવાના કારણે લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યા છે. કુકી ટોળાં આધુનિક હથિયારો સાથે પોલીસ અધિકારીઓની ઓફિસ તરફ ઘસી આવ્યા હતા. નોંધવા જેવું છે કે, કુકી સમર્થિત ‘કમિટી ઓન ટ્રાઈબલ યુનિટી’એ (CoTU) કેન્દ્રીય દળોની તહેનાતી વિરુદ્ધ વિસ્તારમાં ‘પૂર્ણ બંધ’નું એલાન કર્યું હતું.

    શુક્રવારના રોજ કુકી સમુદાયના ટોળાંએ આખો દિવસ વિરોધ પ્રદર્શન કર્યા હતા. સાંજના સમયે તેમણે પોલીસ અધિક્ષકની કચેરીને ઘેરી લઈને તોડફોડ કરવાનું શરૂ કરી દીધું હતું, તેમણે ઘણા વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું. કુકી ટોળાંએ પોલીસ પર પથ્થર અને પેટ્રોલ બૉમ્બથી હુમલો કર્યો હોવાના અહેવાલ પણ સામે આવ્યા છે.

    દરમિયાન કેન્દ્રીય સુરક્ષાદળોએ હિંસક ટોળાંને વેરવિખેર કરવા માટે ટીયરગેસના સેલ છોડ્યા હતા અને ખાલી કારતૂસોનો ઉપયોગ પણ કર્યો હતો. CoTU અનુસાર, આ કાર્યવાહીમાં લગભગ 15 લોકો ઘાયલ થયા હતા. મણિપુર પોલીસ અનુસાર, સ્થિતિનો સામનો કરવા માટે સુરક્ષાદળોની મોટી ટુકડીઓને તહેનાત કરવામાં આવી છે.