વિનેશ ફોગાટના (Vinesh Phogat) કારણે હરિયાણા (Haryana) રમતગમત વિભાગ મુશ્કેલીમાં ફસાઈ ગયો છે. વિનેશ ઓલિમ્પિક્સ 2024માં ફાઈનલ્સમાં પહોંચ્યા બાદ ગેરલાયક જાહેર થઈ હતી. જોકે નાયબ સિંઘ સૈનીની સરકારે તેને સિલ્વર મેડલ વિજેતા તરીકેનું સન્માન આપવાનું જાહેર કર્યું હતું.
ત્યાર પછી સરકારે કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલ વિનેશ ફોગાટને ત્રણ વિકલ્પો ઓફર કર્યા હતા. જેમાં ₹4 કરોડ રોકડા, ગ્રુપ-A નોકરી અથવા હરિયાણા શહેરી વિકાસ સત્તામંડળમાં (HSVP) પ્લોટમાંથી કોઈ એક પસંદ કરવાનો હતો. જોકે વિનેશે આ 3માંથી કોઈ એક પસંદ કરવાને બદલે રોકડ ઇનામ તેમજ પ્લોટ બંનેની માંગણી કરી દીધી છે.
નિયમાનુસાર આ 3માંથી કોઈ પણ એક જ વસ્તુ પસંદ કરવાની હતી. રમતગમત વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “વિનેશે પોતાની ખાસ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ફક્ત એક જ વિકલ્પ પસંદ કરવાનો હતો, પરંતુ તેણે રોકડ પુરસ્કારની સાથે પ્લોટની પણ માંગણી કરી છે.”
વિનેશે પત્ર લખીને સરકાર સમક્ષ આ માંગ કરી હતી. આ બાબતે અધિકારીઓ દ્વારા વિનેશ ફોગાટનો વારંવાર સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તેમના તરફથી કોઈ જવાબ મળ્યો નહોતો. રમતગમત વિભાગ હવે આ મુદ્દા પર ઉચ્ચ અધિકારીઓ અને સરકાર સાથે ચર્ચા કરી રહ્યો છે.