Monday, June 23, 2025
More

    હિંદુ યાત્રીઓને તિરુપતિ મંદિર લઈ ગયેલા મુસ્લિમ ડ્રાઈવરે તિરુમાલામાં પઢી નમાજ, વિડીયો વાયરલ થયા બાદ તપાસ શરૂ

    આંધ્ર પ્રદેશના તિરુમાલા સ્થિત સુપ્રસિદ્ધ અને પવિત્ર તિરુપતિ મંદિર પરિસર નજીક એક મુસ્લિમ વ્યક્તિનો નમાજ પઢવાનો વિડીયો વાયરલ થતાં વિવાદ સર્જાયો છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટ (જે મંદિરનું સંચાલન કરે છે) દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. 

    વાયરલ વિડીયોમાં એક વ્યક્તિ માથે મુસ્લિમો પહેરે તેવી ટોપી પહેરીને મંદિર પરિસરના પુરોહિત સંગમમ નજીક નમાજ અદા કરતો જોવા મળે છે. ત્યાંથી પસાર થતા કોઈકે આ ઘટનાનો વિડીયો ઉતારીને સોશિયલ મીડિયા પર મૂક્યો હતો, જે પછીથી વાયરલ થઈ ગયો. ઘટના 22 મેની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 

    કહેવામાં આવી રહ્યું છે કે આ વ્યક્તિ હિંદુ શ્રદ્ધાળુઓને લઈને આવ્યો હતો. બાકીના લોકો તિરુપતિ મંદિરમાં દર્શન માટે ગયા ત્યારે તે નમાજ પઢવા માટે ગયો હતો. 

    વિવાદનું કારણ એ છે કે આંધ્ર પ્રદેશ ચેરિટેબલ એન્ડ હિંદુ રિલિજીસ ઇન્સ્ટિટ્યુશન્સ એન્ડ એન્ડોવમેન્ટ્સ એક્ટ હેઠળ તિરુમાલામાં હિંદુ ધર્મ સિવાયની કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિ કે ગતિવિધિ કરી શકાતી નથી. 

    TTD બોર્ડના સભ્ય અને ભાજપ નેતા જી ભાનુ પ્રકાશ રેડ્ડીએ આ કૃત્ય પૂર્વાયોજિત હોવાની આશંકા વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે આ મામલે તપાસ ચાલી રહી છે. તેમણે કહ્યું, “TTD અને સ્થાનિક પોલીસ ડ્રાઇવરની ઓળખ કરવા માટે CCTV ચકાસી રહ્યાં છે. અમે મામલાના મૂળ સુધી જઈશું.”

    TTDએ આ મામલે જણાવ્યું કે ડ્રાઇવરની ઓળખ હજુ સુધી થઈ શકી નથી, હાલ તપાસ કરવામાં આવી રહી છે.