તાજેતરમાં જ ઝારખંડમાં વિશ્વ હિંદુ પરિષદની (Vishwa Hindu Parishad) અખિલ ભારતીય સ્તરના અધિકારીઓની બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં બેઠકમાં આગામી સમયમાં યોજાનારા મહત્વપૂર્ણ કાર્યક્રમોની માહિતી આપવામાં આવી હતી.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જાહેરાત કરવામાં આવી હતી કે વિશ્વ હિંદુ પરિષદ (VHP) દેશભરના હિંદુઓ માટે જાગૃતિ અભિયાન શરૂ કરવા જઈ રહી છે. જેમાં મુખ્ય 4 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ 4 વિષયોમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા થઈ રહેલું ધર્માંતરણ, મુસ્લિમો દ્વારા થઈ રહેલ લવ જેહાદ, બાંગ્લાદેશ અને મ્યાનમારમાંથી થઈ રહેલ મુસ્લિમોની ઘૂસણખોરી અને ઘટી રહેલ હિંદુઓના જન્મ દરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ચારેય વિષયોને લઈને એક જાગૃતિ અભિયાન આગામી સમયમાં શરૂ કરવાની જાહેરાત VHPએ કરી હતી. દરેક હિંદુ પરિવારમાં 2-3 બાળકો હોવાના આગ્રહ સાથે VHP દેશભરમાં કામ કરશે. નોંધનીય છે કે આ પહેલાં પણ VHPએ હિંદુઓમાં જન્મદર વધારવાને લઈને ભાર આપ્યો હતો, ત્યારે હવે VHP આ મામલે જન-જાગૃતિ અભિયાન શરૂ કરવા જઈ રહ્યું છે.