Saturday, April 19, 2025
More

    ઔરંગઝેબની કબર હટાવવા માટે બજરંગ દળ-VHP શરૂ કરશે આંદોલન, કહ્યું- સરકાર કાર્યવાહી કરે નહીંતર અમે કારસેવા કરીશું

    મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગરમાં સ્થિત મુઘલ આક્રાંતા ઔરંગઝેબની કબર મામલે વિવાદ વધતો જાય છે. એક તરફ રાજ્યમાં કબર હટાવવાની માંગ થઈ રહી છે તો બીજી તરફ હવે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ જેવાં સંગઠનો પણ મેદાને પડ્યાં છે. સંગઠનોએ સરકાર પાસે કબર હટાવવાની માંગ કરી છે અને ઉમેર્યું છે કે જો સરકાર કોઈ કાર્યવાહી ન કરે તો તેઓ કારસેવા કરશે. 

    મહારાષ્ટ્ર-ગોવાના બજરંગ દળ સંયોજક વિવેક કુલકર્ણીએ એક મીડિયા બાઇટમાં કહ્યું કે, “અમે સરકારને વિનંતી કરીએ છીએ કે ઔરંગઝેબની કબર તાત્કાલિક હટાવવામાં આવે. જે આક્રાંતા, જેણે ભારતીય સમાજ પર, હિંદુ સમાજ પર આક્રમણ કર્યાં, તેમના ધર્માંતરણનો પ્રયાસ કર્યો અને તેમ છતાં એ નાયક બનીને ફરતો હોય તો એ જ સ્વતંત્ર ભારતમાં એક મોટી ગુલામીની નિશાની છે.”

    તેમણે ઉમેર્યું કે, “આવા કોઈ ખલનાયકની કબર ભારતમાં ન રહેવી જોઈએ. વર્તમાન રાજ્ય સરકાર આ કબર તુરંત હટાવી દે. વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ આંદોલનની ઘોષણા કરે છે.”

    તેમણે કહ્યું કે, 17 માર્ચથી તેઓ દરેક કાર્યાલયમાં આવેદન આપીને ધરણાં પ્રદર્શન કરશે. ત્યારબાદ બીજા તબક્કામાં સરકાર સાથે આ મામલે વાતચીત કરશે. તેમ છતાં સરકાર ન માની તો લાખો હિંદુઓ અને બજરંગ દળ-વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાઓ સંભાજી નગર તરફ કૂચ કરશે અને કારસેવા કરીને કબર ઉખાડી ફેંકશે.”