Wednesday, April 23, 2025
More

    વાવ વિધાનસભા બેઠક પર સ્વરૂપજી ઠાકોર ભાજપના ઉમેદવાર, કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને આપી ટિકિટ: બંનેએ ઉમેદવારી પત્રો ભર્યાં

    બનાસકાંઠાની વાવ (Vav) વિધાનસભા બેઠક પર આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપ-કોંગ્રેસે (BJP-Congress) ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપે સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે અહીં પૂર્વ MLA ગુલાબસિંહ રાજપૂતને ઉતાર્યા છે. 

    સ્વરૂપજી ઠાકોર વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં વાવ બેઠક પરથી જ ચૂંટણી લડ્યા હતા, પરંતુ ગેનીબેન ઠાકોર સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તેઓ 15 હજાર મતથી હાર્યા હતા. હવે ભાજપે ફરી તેમને જ મેદાનમાં ઉતાર્યા છે. તેઓ ઠાકોર સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે. 

    ગુલાબસિંહ રાજપૂત 2019માં થરાદ વિધાનસભાની પેટાચૂંટણી જીત્યા હતા અને MLA બન્યા હતા. જોકે, 2022 વિધાનસભા ચૂંટણીમાં તેઓ આ જ બેઠક પરથી લડ્યા, પરંતુ ભાજપના શંકર ચૌધરી સામે પરાજય થયો હતો. તેઓ યુવા કોંગ્રેસ અને NSUIમાં પણ પદાધિકારી રહી ચૂક્યા છે. 

    આ બંને ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભરી દીધાં છે. શુક્રવારે (25 ઑક્ટોબર) ઉમેદવારી પત્રો ભરવાનો અંતિમ દિવસ છે. બપોરે 2 વાગ્યા સુધીમાં કુલ 16 ફોર્મ ભરાયાં હોવાની જાણકારી મળી રહી છે. 13 નવેમ્બરે અહીં મતદાન થશે અને 23મીએ પરિણામો જાહેર કરવામાં આવશે.