Monday, March 17, 2025
More

    ‘આજતક’ના કાર્યક્રમમાં અમિત શાહ-વરુણ ધવન વચ્ચે રામાયણ પર થઈ ચર્ચા, અભિનેતાએ પ્રભાવિત થઈને કહ્યું- ગૃહમંત્રી દેશના હનુમાન, નિઃસ્વાર્થભાવે કરી રહ્યા છે સેવા

    તાજેતરમાં ‘આજતક’ દ્વારા આયોજિત કાર્યક્રમ ‘એજન્ડા આજતક’માં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) પણ હાજરી આપી હતી. દરમિયાન ત્યાં બોલીવુડ અભિનેતા વરુણ ધવન (Varun Dhavan) પણ ઉપસ્થિત હતા. વરુણ ધવને ગૃહમંત્રી શાહને રામાયણ પર એક પ્રશ્ન કર્યો, જેની ઉપર પછીથી બંને વચ્ચે ચર્ચા થઈ. 

    ધવને ગૃહમંત્રી શાહને પૂછ્યું કે રામ અને રાવણ વચ્ચે મૂળ અંતર શું હતું? જેના જવાબમાં ગૃહમંત્રીએ કહ્યું કે, મૂળ અંતર ધર્મનો છે. અમુક લોકો માટે ધર્મ અનુસાર ચાલવું એ કર્તવ્ય હોય છે. જ્યારે અમુક પોતાના સ્વાર્થ અનુસાર ધર્મની વ્યાખ્યા કરીને તેની ઉપર ચાલે છે. પ્રભુ રામ ધર્મ અનુસાર પોતાનું જીવન જીવ્યા અને રાવણે ધર્મને જ પોતાની ઈચ્છા અનુસાર બદલવાનો પ્રયાસ કર્યો. 

    જવાબ સાંભળીને એક્ટર વરુણ ધવન પ્રભાવિત થયા અને પોતાની ટિપ્પણી ઉમેરીને કહ્યું, “રાવણને જ્ઞાનનો અહંકાર હતો, પણ ભગવાન રામને અહંકારનું જ્ઞાન હતું.”

    ત્યારબાદ વરુણ ધવને અમિત શાહની પ્રશંસા કરીને કહ્યું કે, “ઘણા કહે છે કે તમે રાજકારણના ચાણક્ય છો. હું કહેવા માંગીશ કે તેઓ આપણા દેશના હનુમાન છે, જેઓ નિઃસ્વાર્થભાવે દેશની સેવા કરી રહ્યા છે.” આગળ કહ્યું કે, અભિનેતાઓ તો યાદ કરેલી લાઈનો બોલતા હોય તેમાં પણ ભૂલ કરે છે, પણ શાહ આટલા સમયથી બોલી રહ્યા છે અને એકદમ સ્પષ્ટતા સાથે વાત કરી રહ્યા છે. અંદર નિષ્કપટતા હોય ત્યારે જ આ શક્ય બને છે.