વારાણસીમાં 19 વર્ષીય યુવતી સાથે 29 માર્ચથી 4 એપ્રિલ, 2025 દરમિયાન 23 લોકો દ્વારા ગેંગરેપની (Varanasi Gang rape) ઘટનાએ દેશભરમાં હડકંપ મચાવ્યો છે. આ ઘટનાની તપાસ માટે આઠ સભ્યોની ખાસ તપાસ ટીમ (SIT) રચવામાં આવી છે, જે 30 દિવસમાં પોતાનો અહેવાલ રજૂ કરશે.
SITની રચના DCP પ્રમોદ કુમારના નેતૃત્વમાં કરવામાં આવી છે. અન્ય સભ્યોમાં ADCP નીતુ, ACP (ક્રાઇમ) શ્રુતિ શ્રીવાસ્તવ, ACP કેન્ટ વિદુષ સક્સેના, સર્વેલન્સ સેલના ઇન્ચાર્જ દિનેશ કુમાર યાદવ, SOG ઇન્ચાર્જ મનીષ મિશ્રા, સાયબર ક્રાઇમ સેલના ઇન્ચાર્જ મનોજ કુમાર તિવારી અને લાલપુર પાંડેપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ રાજીવ કુમાર સિંઘનો સમાવેશ થાય છે.
યુવતીના પરિવારે 5 એપ્રિલે ફરિયાદ નોંધાવી હતી, જેમાં દાવો કરાયો હતો કે યુવતીને ડ્રગ્સ આપીને વારાણસીના વિવિધ સ્થળોએ, જેમ કે હોટેલ, કાફે અને હૂક્કા બારમાં, 23 લોકો દ્વારા ગેંગરેપ કરવામાં આવ્યો. ફરિયાદમાં સમીર, સોહેલ, ડેનિશ ખાન, અનમોલ, સાજિદ, ઝહીર, ઇમરાન, જૈબ, અમન, રાજ ખાન, આયુષ, રાજ વિશ્વકર્મા વિરુદ્ધ નામજોગ અને અન્ય 11 અજાણ્યા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.
અત્યાર સુધીમાં 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી 12 ઓળખાયેલા અને 2 અન્ય છે. આ ઉપરાંત, 11 અજાણ્યા આરોપીઓની ઓળખ અને ધરપકડ માટે પોલીસે 50થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા અને 100થી વધુ CCTV ફૂટેજની તપાસ કરી છે. એવું પણ સામે આવ્યું હતું કે મુખ્ય આરોપી અનમોલ ગુપ્તાના ફોનમાં 500થી વધુ અશ્લીલ વિડીયો મળ્યા, જેનો ઉપયોગ બ્લેકમેલિંગ માટે થતો હતો.
બીજી તરફ આરોપીઓના પરિવારોએ ઓડિયો, વિડીયો અને સોશિયલ મીડિયા ચેટના પુરાવા રજૂ કર્યા છે. તેમનો દાવો છે કે યુવતીએ આરોપીઓને પોતે આમંત્રણ આપ્યું હતું અને પૈસાની માંગણી કરી હતી. આ પુરાવાઓના આધારે પોલીસ કમિશનર મોહિત અગ્રવાલે SITની રચના કરી અને અજાણ્યા આરોપીઓની ધરપકડ પર રોક લગાવી છે.