પેસેફિક મહાસાગરમાં સ્થિત એક ટાપુ દેશ વાનુઆતુમાં (Vanuatu) સ્થાયી થવાનું સ્વપ્ન જોઈ રહેલા IPLના ભૂતપૂર્વ ચેરમેન લલિત મોદીને (Lalit Modi) ત્યાંની સરકારે મોટો ઝટકો આપ્યો છે. વાનુઆતુના વડાપ્રધાન જોથમ નાપતએ નાગરિકતા આયોગને લલિત મોદીને જારી કરાયેલ વાનુઆતુ પાસપોર્ટ રદ્દ (Passport) કરવાનો નિર્દેશ આપ્યો છે.
નોંધનીય છે લલિત મોદીએ ભારતીય નાગરિકતા છોડવા માટે આવેદન પણ આપ્યું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ મામલે કહ્યું હતું કે, “લલિત મોદીએ લંડન સ્થિત ભારતીય હાઈ કમિશનમાં પોતાનો પાસપોર્ટ જમા કરાવવા માટે અરજી કરી છે.”
જયસ્વાલે કહ્યું હતું કે, “હાલના નિયમો અને પ્રક્રિયાઓ અનુસાર તેની તપાસ કરવામાં આવશે. અમને એ પણ જણાવવામાં આવ્યું છે કે તેમણે વાનુઆતુ નાગરિકતા મેળવી લીધી છે. અમે કાયદા મુજબ તેમની સામે કેસ ચલાવી રહ્યા છીએ.”
આ અંગે જોથમ નાપતના કાર્યલયે જણાવ્યું હતું કે ‘આંતરરાષ્ટ્રીય મીડિયામાં તાજેતરના ખુલાસા બાદ’ લલિત મોદીને જારી કરાયેલ પાસપોર્ટ રદ કરવા જણાવ્યું છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, “જ્યારે તેમની અરજી દરમિયાન હાથ ધરવામાં આવેલી ઇન્ટરપોલ સ્ક્રીનીંગ સહિતની તમામ પ્રમાણભૂત પૃષ્ઠભૂમિ તપાસમાં કોઈ ગુનાહિત દોષ સાબિત થયો નથી.”
તેમણે આગળ જણાવ્યું છે કે, “જોકે, મને છેલ્લા 24 કલાકમાં જાણવા મળ્યું છે કે ઇન્ટરપોલે નક્કર ન્યાયિક પુરાવાના અભાવે શ્રી મોદી પર એલર્ટ નોટિસ જારી કરવાની ભારતીય અધિકારીઓની વિનંતીઓને બે વાર નકારી કાઢી છે. આવી કોઈપણ એલર્ટના કારણે આપમેળે જ શ્રી મોદીની નાગરિકતા અરજીને નકારી કઢાઈ હોત.”
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વાનુઆતુ પાસપોર્ટ રાખવો એ એક વિશેષાધિકાર છે, અધિકાર નથી, અને અરજદારોએ કાયદેસર કારણોસર નાગરિકતા મેળવવી જોઈએ. તેમણે આગળ કહ્યું કે, “આમાંથી કોઈ પણ કાયદેસર કારણમાં પ્રત્યાર્પણથી બચવાનું કારણ સામેલ નથી, તાજેતરમાં બહાર આવેલા તથ્યો સ્પષ્ટપણે દર્શાવે છે કે શ્રી મોદીનો હેતુ પ્રત્યાર્પણ ટાળવાનો હતો.”