Saturday, January 25, 2025
More

    160ની ઝડપે વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજ પર સડસડાટ દોડી વંદે ભારત, પ્રથમ ટ્રાયલ સફળતાપૂર્વક પાસ: ખાસ કાશ્મીર માટે બનાવવામાં આવી છે ટ્રેન

    જમ્મુ કાશ્મીરના લોકોનું વંદે ભારતનું સપનું પૂરું થઈ ગયું છે અને ભારતીય રેલવે આકાશનને આંબી રહ્યું છે. વાસ્તવમાં શનિવારે વિશ્વના સહુથી ઊંચા રેલવે પુલ એટલે કે ચેનાબ બ્રિજ પર વંદે ભારત ટ્રેનનું સફળતા પૂર્વક પાયલટ રન કરાવવામાં આવ્યું. અધધ 359 ફૂટની ઉંચાઈએ સડસડાટ દોડી રહેલી વંદે ભારત ટ્રેનના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

    ભારતીય રેલવે વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા વિડીયોમાં વંદે ભારત ભારતના પ્રથમ કેબલ સ્ટેડ રેલવે પૂલ- અંજી ખાદ બ્રિજ અને ચેનાબ બ્રિજ પરથી પસાર થતી જોવા મળી. આ વંદે ભારતને કાશ્મીરના વાતાવરણને અનુકુળ બનાવવામાં આવી છે. આ ટ્રેન -30 તાપમાનમાં પણ યાત્રીઓને હુંફાળી મુસાફરી પૂરી પડશે. તેની બારીઓને ખાસ પ્રકારથી બનાવવામાં અવી છે જેથી તેના પર બરફ ન જામે.

    આ વંદે ભારત ટ્રેનના વોશરૂમમાં ઓન હીટર લગાવવામાં આવ્યાં છે. આ ટ્રેનથી કટરાથી બનીહાલ વચ્ચેની અંતર માત્ર 90 મિનીટમાં પૂર્ણ કરી શકાશે. રવિવારે (26મી જાન્યુઆરી 2025) આ ટ્રેનનું લોકાર્પણ કરીને તેને મુસાફરો માટે શરૂ કરી દેવામાં આવશે. આ ટ્રેનમાં મુસાફરી કરતા લોકોને કાશ્મીરની ખીણોનાં અદ્ભુત દ્રશ્યો જોવા મળશે.

    પહાડો વચ્ચે બનેલા આભને આંબતા પુલો પર આ ટ્રેન 160ની સ્પીડે દોડશે. હાલ આ ટ્રેન ઉધમપુર-શ્રીનગર-બારામુલા રૂટ પર દોડાવવામાં આવશે અને બાદમાં તેનો વ્યાપ વધારવામાં આવશે. આજે કરવામાં આવેલા પાયલટ રણમાં ટ્રેનને 18 બોગીઓ સાથે દોડાવવામાં આવી. જ્યારે ટ્રેન ચેનાબ બ્રિજ પરથી પસાર થઈ, ત્યારે સહુ કોઈ રોમાંચિત થઈ ઉઠ્યા હતા.