પહલગામ આતંકી હુમલા બાદ દેશની આંતરિક સુરક્ષાને ધ્યાને રાખી સરકાર દ્વારા દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓને (Illegal Bangladeshi Infiltrators) પકડી દેશનિકાલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ગુજરાતમાં પણ રાજ્ય સરકાર દ્વાર કડક પગલા લેતા વિવિધ વિસ્તારોમાંથી ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડવામાં આવ્યા હતા. જેમાંથી મોટાભાગના ઘૂસણખોરોનો નિકાલ કરાયો હતો. ત્યારે આજે ફરી એકવાર ઘૂસણખોરો પર કાર્યવાહી કરતા સરકારે વડોદરાથી (Vadodara) એક ખાસ પ્લેન દ્વારા 250થી વધુ બાંગ્લાદેશીઓને તેમના દેશ બાંગલાદેશમાં ડિપોર્ટ (Deportation) કરવામાં આવ્યા છે.
Vadodara | બાંગ્લાદેશીઓને વિશેષ વિમાનથી કરાયા ડિપોર્ટ | tv13gujarati #gujarat #vadodara #bangladeshi #deported #tv13gujarati pic.twitter.com/d49rSSljid
— TV13 Gujarati (@tv13gujarati) July 4, 2025
મળતી માહિતી મુજબ આજે (4 જુલાઈ) વડોદરાથી એરફોર્સના એક ખાસ પ્લેન દ્વારા 250થી વધુ બાંગ્લાદેશીઓને પરત મોકલવાની કાયર્વાહી કરવામાં આવી હતી. રાજ્યના અલગ અલગ શહેરોમાંથી 4 જેટલી બસો ભરીને પકડાયેલા બાંગ્લાદેશીઓને વડોદરા ખાતે લવાયા હતા. સુરક્ષાને ધ્યાને રાખી પકડાયેલા તમામ બાંગ્લાદેશીઓને હાથકડી અને દોરડા સાથે બાંધીને પ્લેન સુધી લઇ જવામાં આવ્યા હતા, જે પછી ખાસ વિમાન દ્વારા તેમને બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ડિપોર્ટ કરાયા હતા. આ પહેલા મેં મહિનામાં 300થી વધુ બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરાયા હતા.
ઉલ્લેખનીય છે કે, હાલમાં રાજ્યના ગૃહવિભાગ દ્વારા ઘૂસણખોરી વિરુદ્ધ ચલાવવામાં આવેલ અભિયાન હેઠળ પોલીસે અમદાવાદમાંથી 200, સુરતમાંથી 100, વડોદરામાંથી 5 એમ મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓ પકડ્યા હતા. આ તમામ ગેરકાયદેસર રીતે અહિયાં રહેતા હતા, જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. સરકાર દ્વારા પકડાયેલ તમામ બાંગ્લાદેશીઓને હવે ડિપોર્ટ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ અભિયાન હેઠળ અત્યાર સુધી 1200થી વધુ ઘૂસણખોરોનો દેશ-નિકાલ કરાયો છે.