Saturday, July 12, 2025
More

    વડોદરાની સિગ્નસ સ્કુલને મળી બોમ્બ બ્લાસ્ટની ધમકી, બોમ્બ-સ્કવોડ તપાસમાં ના મળી કોઈ શંકાસ્પદ વસ્તુ: આ વર્ષે શાળાઓમાં આ ચોથી ધમકી

    છેલ્લા ઘણા સમયથી રાજ્યના અલગ-અલગ શહેરોમાં બોમ્બ-બ્લાસ્ટની (Bomb Threat School) ધમકીઓ મળી રહી છે. એવામાં સમાચાર મળી રહ્યા છે કે, શુક્રવારે સવારે (4 જુલાઈ) વડોદરાની (Vadodara) વધુ એક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. મામલાની જાણ થતા જ સ્થાનિક સુરક્ષા એજન્સીઓ સહિત વડોદરા પોલીસ દોડતી થઇ હતી.

    મીડિયા રીપોર્ટસ મુજબ આજે (4 જુલાઈ) વડોદરાના હરણી વિસ્તારમાં આવેલી સિગ્નસ સ્કુલના મેઈલ આઈડીમાં એક અજ્ઞાત મેઈલ આવ્યો હતો. જેમાં સ્કુલને આરડીએક્સ બોમ્બથી બ્લાસ્ટ કરી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જે પછી હોબાળો મચતા વડોદરા પોલીસ બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ સહિત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્કુલમાંથી વિદ્યાર્થીઓ અને સ્ટાફને ખસેડ્યા બાદ તંત્રે સર્ચ ઓપરેશન આદર્યું હતું. જોકે સર્ચ ઓપરેશન દરમિયાન કોઈ સંદિગ્ધ વસ્તુ મળી આવી ન હોતી.

    ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ વડોદરા શહેરની બે-ત્રણ સ્કૂલોને આ જ પ્રકારે મેઈલ દ્વારા બોમ્બ-બ્લાસ્ટની ધમકીઓ મળી ચૂકી છે. આ પહેલા 24 જાન્યુઆરી 2025ના રોજ સમા વિસ્તારની નવરચના સ્કુલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જે પછી 23 જૂનના ફરી નવરચના સ્કુલને એજ પ્રકારનો મેઈલ આવ્યો હતો. આ ઉપરાંત 24 જૂનના વડોદરાની જ એક રિફાઇનરી CBSE સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી, જેમાં ઉમર ફારુક નામની એક આઈડીથી મેઈલ કરવામાં આવ્યો હતો.