વડોદરાની (Vadodara) સ્થાનિક કોર્ટે ભાવનગરના એક વ્યક્તિની ફરિયાદ પર પાંચ પોલીસકર્મીઓ સામે કેસ દાખલ કરવા માટે આદેશ આપ્યો છે. જેમાં તત્કાલીન DCP કરણરાજ વાઘેલાનો પણ સમાવેશ થાય છે.
પોલીસકર્મીઓ પર ચાર વર્ષ પહેલાં વાહન ચોરીના એક કેસમાં ભાવનગરના એક વેપારીને પકડી લાવીને માર મારવાનો આરોપ લાગ્યો છે. જે પોલીસકર્મીઓનાં નામ સામે આવ્યાં છે તેમાં વાઘેલા ઉપરાંત માંજલપુરના તાત્કાલીન PSI બી. એસ સેલાણા, હેડ કોન્સ્ટેબલ સના ઠાકુર, આસિસ્ટન્ટ એસઆઈ મેહુલદાન ગઢવી અને અમરદીપ ચૌહાણનો સમાવેશ થાય છે. કરણરાજ વાઘેલા હાલ વલસાડ પોલીસના જિલ્લા પોલીસ વડા (SP) તરીકે ફરજ બજાવે છે.
ભાવનગરમાં કોમ્પ્યુટરનો વ્યવસાય કરતા આશિષ ચૌહાણે ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે, નવેમ્બર, 2020માં માંજલપુર પોલીસ મથકના અધિકારીઓ સાદાં કપડાં અને ખાનગી કારમાં તેની દુકાને આવ્યા હતા અને ખેંચી કાઢીને માર મારીને કાંઈ પણ જણાવ્યા વગર સાથે લઈ ગયા હતા અને બરોડા લાવીને પણ ગોંધી રાખીને ઢોર માર માર્યો હતો.
આરોપ છે કે જ્યારે તેમના પરિવારે બચાવવાના પ્રયાસ કર્યા તો તેમને પણ ધમકાવવામાં આવ્યા હતા. કોર્ટે તમામ પોલીસકર્મીઓ સામે IPCની કલમ 449, 504, 506(2), 325, 323, 427, 341, 342 અને 114 હેઠળ ગુનો નોંધવાનો આદેશ આપ્યો છે.