Saturday, April 5, 2025
More

    વડોદરા કાર અકસ્માત કેસ: આરોપી રક્ષિતે મિત્રો સાથે ગાંજો ફૂંક્યા બાદ ચલાવી હતી ગાડી, મેડિકલ રિપોર્ટમાં ઘટસ્ફોટ- પોલીસ

    વડોદરાના ચર્ચિત કાર અકસ્માત કેસમાં ઘટસ્ફોટ થયો છે કે, આરોપી રક્ષિત ચૌરસિયાએ કાર ચલાવ્યા પહેલાં ગાંજાનું સેવન કર્યું હતું. આરોપીના મેડિકલ રિપોર્ટમાં આ બાબતની પુષ્ટિ થઈ હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસ અનુસાર, અકસ્માત પહેલાં આરોપી તેના મિત્ર સુરેશ ભરવાડના ઘરે ગયો હતો અને ગાંજો ફૂંક્યો હતો. આ સાથે જ કારમાં તેની સાથે રહેલો તેનો મિત્ર પ્રાંશુ ચૌહાણ પણ ગાંજાના નશામાં હોવાનું સામે આવ્યું છે.

    અકસ્માતના 20 દિવસ બાદ આરોપી રક્ષિતનો FSL રિપોર્ટ સામે આવ્યો છે. જેથી આરોપી સામે હવે NDPS એક્ટનો અલગથી ગુનો નોંધવામાં આવ્યો છે. આ સાથે જ તેના મિત્રો પ્રાંશુ ચૌહાણ અને સુરેશ ભરવાડ વિરુદ્ધ પણ આ કાયદા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. શુક્રવારે (4 એપ્રિલ) પોલીસે પ્રાંશુ ચૌહાણની પણ ધરપકડ કરી લીધી હતી.

    ટાઈમ્સ ઑફ ઇન્ડિયાએ DCP પન્ના મોમાયાના હવાલેથી જણાવ્યું છે કે, “ત્રણેયના FSL રિપોર્ટમાં ગાંજો જોવા મળ્યો છે. ચૌરાસિયા ગાડી ચલાવતા સમયે નશામાં હતો. અમે ત્રણેય વિરુદ્ધ NDPS કાયદા હેઠળ એક અલગ કેસ નોંધ્યો છે અને ચૌરસિયા વિરુદ્ધ મૂળ FIRમાં પણ નશાની હાલતમાં વાહન ચલાવવા સંબંધિત ખંડ જોડવામાં આવ્યો છે.”

    નોંધનીય છે કે, 14 માર્ચના રોજ વડોદરામાં MS યુનિવર્સિટીમાં લૉના વિદ્યાર્થી રક્ષિત ચૌરસિયાએ કાર અકસ્માત કર્યો હતો. જેમાં એક મહિલા ઘટનાસ્થળે જ મૃત્યુ પામી હતી અને અન્ય પણ ઘણા લોકો ઘાયલ થયા હતા. ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો હતો. જેમાં આરોપી વાહનમાંથી ઉતરીને ‘અનધર રાઉન્ડ, અનધર રાઉન્ડ’ની બૂમો પાડી રહ્યો હતો.