ગુજરાતના વડોદરા (Vadodara) શહેરમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જે અનુસાર 7માં ધોરણમાં (7th standard Boy)અભ્યાસ કરતા એક 13 વર્ષીય વિદ્યાર્થીએ બેલ્ટ ગળે બાંધીને આત્મહત્યા (Suicide) કરી લીધી હતી. આ મામલો વડોદરાના વેમાલી ખાતેથી સામે આવ્યો છે.
આ અંગે વડોદરા મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. જેમાં ઉલ્લેખ છે કે વેમાલી ખાતે આવેલ શ્રવણ એકન્લેવમાં અરુણભાઇ વસંતરાવ ગુંડેકર તેમની પત્ની અને બે બાળકો સાથે રહે છે. તેમના મોટા પુત્રની પરીક્ષાઓ ચાલી રહી હતી. ત્યારે અંગ્રેજી વિષયનું પેપર આવતા તેમની પત્નીએ 13 વર્ષના મોટા પુત્રને ઠપકો આપ્યો હતો. જે સહન ન થતાં વિદ્યાર્થીએ પોતાના બેડરૂમમાં જઈને ફાંસો ખાઈ લીધો હતો.
નોંધનીય છે કે મૃતક વિદ્યાર્થી બ્રાઇટ ડે સ્કુલમાં CBSCમાં ધોરણ 7માં અભ્યાસ કરતો હતો. તેનો નાનો ભાઈ પણ છે. તેના પિતા અરુણભાઇ મંજુસર જીઆઇડીસીમાં NBC કંપનીમાં ઉચ્ચ હોદ્દા ઉપર ફરજ બજાવે છે. ઘટનાની જાણ થતા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે વિદ્યાર્થીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ કરાવીને પરિવારને અંતિમક્રિયા માટે પરત સોંપ્યો હતો. ઉપરાંત આત્મહત્યાનો ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી છે.