Saturday, April 19, 2025
More

    ઉત્તરાખંડ વક્ફ બોર્ડના અધ્યક્ષે કર્યું મોદી સરકારના વક્ફ બિલનું સમર્થન: કહ્યું – જે વિરોધ કરી રહ્યા છે, તે ‘પોલિટીકલ મુસલમાન’

    આજે એટલે કે 2 એપ્રિલના રોજ વક્ફ સંશોધન બિલ 2024 (Waqf Amendment Bill 2024) લોકસભામાં રજૂ થવાનું છે. આ પહેલાં ઉત્તરાખંડ વક્ફ બોર્ડના અધ્યક્ષ શદાબ શમ્સે (Shadab Shams) એક મોટું નિવેદન આપી દીધું છે. તેમણે આ બિલનું સમર્થન કર્યું હતું અને વિરોધ કરી રહેલ મુસ્લિમોને ‘પોલિટીકલ મુસલમાન’ ગણાવ્યા હતા.

    તેઓ આજ તકની એક ટીવી ડિબેટમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન વક્ફ સંશોધન બિલ પરના પ્રશ્નનો જવાબ આપતા તેમણે આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “વક્ફ બિલનો વિરોધ કરી રહેલા મુસ્લિમો ‘પોલિટીકલ મુસલમાન’ છે, તેઓ સાચા મુસલમાન નથી નથી. તે કોંગ્રેસી મુસલમાન છે, સપાઈ મુસલમાન છે, તે AAPના મુસલમાન છે, જનતા દળવાળા મુસલમાન છે.”        

    તેમણે કહ્યું કે કેટલાક મુસ્લિમ સંગઠનો પોતાની રાજનીતિ ચમકાવવા માટે આ બિલનો વિરોધ કરી રહ્યા છે, મુસ્લિમ સંગઠનોના કેટલાક લોકો પાછલા દરવાજેથી રાજ્યસભામાં પ્રવેશવા માંગે છે. વિપક્ષ પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે દેશમાં આજે સૌથી ડરપોક વિપક્ષ છે.

    તેમણે આગળ કહ્યું કે, જો વિપક્ષ મુસ્લિમોની આટલી ચિંતા કરે છે તો તેઓ જેલ ભરો આંદોલન કેમ નથી ચલાવતા? શદાબ શમ્સે કહ્યું કે વિપક્ષી લોકો અને જમિયત ઉલેમા-એ-હિંદ જેવા સંગઠનો મુસ્લિમોને ડરાવવાનું કામ કરી રહ્યા છે.

    તેમણે કહ્યું કે પહેલા મુસ્લિમોને CAAથી ડરાવવામાં આવ્યા અને હવે વક્ફના નામે ડરાવવામાં આવી રહ્યા છે. વક્ફ બિલને ટેકો આપતા તેમણે કહ્યું કે જેમણે છેલ્લા 70 વર્ષોમાં વકફ મિલકતો પર કબજો કર્યો છે અને હડપ કરી છે, તેઓને આ કાયદા હેઠળ વક્ફ જમીન છીનવી લેવાની ફરજ પાડવામાં આવશે.

    તેમણે કહ્યું કે વક્ફના નામે તેઓ દેશને સળગાવવા માંગે છે, તેઓ સરકાર અને દેશને અસ્થિર કરીને સત્તા કબજે કરવા માંગે છે. નોંધનીય છે કે શદાબ શમ્સ પહેલાં ઓલ ઇન્ડિયા સૂફી સજ્જાદનાશીન કાઉન્સિલના અધ્યક્ષ અને અજમેર દરગાહના આધ્યાત્મિક પ્રમુખના ઉત્તરાધિકારી સૈયદ નસરુદ્દીન ચિશ્તી તથા હજ કમિટીના ચેરમેન કૌસર જહાં પણ આ બિલનું સમર્થન કરી ચૂક્યા છે.