Tuesday, March 18, 2025
More

    ઉત્તરાખંડ: રૂરકી નજીક રેલવે ટ્રેક પરથી મળી આવ્યું સિલિન્ડર, ગુડ્સ ટ્રેનના લોકો પાયલટની સતકર્તાથી ટળ્યો અકસ્માત

    ઉત્તરાખંડના રૂરકીમાં ટ્રેનના પાટા પરથી એક સિલિન્ડર મળી આવવાની ઘટના બની છે. આ મામલે સ્થાનિક પોલીસ મથકે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. 

    રવિવારે (13 ઑક્ટોબર) સવારે 6:35 કલાકે ગુડ્સ ટ્રેનના લોકો પાયલટે રૂરકી સ્ટેશન માસ્ટરને જાણ કરી હતી કે લાંઢૌરા અને ઢંઢેરા વચ્ચે એક સિલિન્ડર મળી આવ્યું છે. આ સ્થળ ઢંઢેરા સ્ટેશનથી લગભગ એક કિલોમીટર દૂર હોવાનું જાણવા મળ્યું છે. 

    ત્યારબાદ તાત્કાલિક પોઈન્ટ્સમેન સ્ટેશન પર પહોંચ્યો હતો, જેણે સિલિન્ડર જોતાં ખાલી હોવાનું જાણવા મળ્યું હતું. પછીથી તેને સ્ટેશન માસ્ટરને સોંપી દેવામાં આવ્યું. 

    આ મામલે સ્થાનિક પોલીસ અને GRPને જાણ કરવામાં આવી છે. ત્યારબાદ રૂરકી સિવિલ લાઇન્સ પોલીસ મથકે FIR દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. 

    નોંધનીય છે કે તાજેતરમાં જ આવા ઘણા કેસ સામે આવી ચૂક્યા છે, જેમાં રેલવે ટ્રેક પર કોઈ વસ્તુ મૂકીને ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય. તેના કારણે ઘણા કેસમાં ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી જવાના પણ કિસ્સા સામે આવ્યા.