Tuesday, July 15, 2025
More

    કેદારનાથ હેલિકોપ્ટર ક્રેશ મામલે આર્યન એવિએશનના બે કર્મચારીઓ વિરુદ્ધ FIR: કંપનીની સેવાઓ રદ, પાયલટનાં લાયસન્સ પણ સસ્પેન્ડ

    15 જૂને ઉત્તરાખંડના કેદારનાથ નજીક આર્યન એવિએશનનું બેલ 407 હેલિકોપ્ટર ક્રેશ (Kedarnath Helicopter Crash) થયું હતું. જેમાં એક પાયલટ અને 6 મુસાફરો સહિત 7 લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ દુર્ઘટના બાદ આર્યન એવિએશન (FIR Against Aryan Aviation) કંપની સામે ગંભીર આરોપો લાગ્યા છે અને પોલીસે FIR દાખલ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખરાબ હવામાન અને ટેકનિકલ ખામીઓને દુર્ઘટનાનું કારણ માનવામાં આવી રહ્યું છે.

    પોલીસે રુદ્રપ્રયાગ જિલ્લામાં FIR દાખલ કરી છે, જેમાં આર્યન એવિએશનના જવાબદાર મેનેજર કૌશિક પઠાક અને મેનેજર વિકાસ તોમર સામે આરોપો લગાવવામાં આવ્યા છે. FIRમાં ભારતીય દંડ સંહિતાની કલમો 172, 173 અને 174 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસની તપાસ હાલ ચાલુ છે અને દોષિતો સામે કડક કાર્યવાહીની ખાતરી આપવામાં આવી છે.

    ઉત્તરાખંડ સરકારે આર્યન એવિએશનની ચાર ધામ યાત્રા સેવાઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધી છે. ઉપરાંત, બે પાયલટનાં લાયસન્સ પણ 6 મહિના માટે રદ કરવામાં આવ્યાં છે. રાજ્ય સરકારે દુર્ઘટનાનાં કારણોની તપાસ માટે ઉચ્ચસ્તરીય સમિતિ ગઠિત કરી છે અને હેલિકોપ્ટર સેવાઓ માટે કડક SOP (સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર) બનાવવાની જાહેરાત કરી છે.