ઉત્તરાખંડના ચમોલીના માણા ગામમાં ગ્લેશિયર તૂટવાના કારણે BROના એક પ્રોજેક્ટ પર કામ કરતા 54 કામદારો દબાઈ ગયા હતા, જેમનું રેસ્ક્યુ હાલ ચાલી રહ્યું છે. વિષમ વાતાવરણ વચ્ચે ચાલી રહેલા રેસ્ક્યુ ઑપરેશનમાં 46 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, પરંતુ તેમાંથી પાંચે જીવ ગુમાવી દીધા. હજુ પણ ત્રણ લાપતા છે, જેમની શોધખોળ ચાલી રહી છે.
બરફવર્ષા અને ભારે વરસાદના કારણે રેસ્ક્યુ ઑપરેશન પર પણ અસર પડી રહી હોવાનું અહેવાલો જણાવી રહ્યા છે. હાલ SDRF, NDRFની ટીમો, ઇંડો-તિબેટીયન બોર્ડર પોલીસની ટુકડીઓ, બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનના માણસો સતત રેસ્ક્યુમાં લાગેલા છે અને લાપતા શ્રમિકોની શોધખોળ ચાલી રહી છે. રેસ્ક્યૂમાં 200થી વધુ માણસોની મદદ લેવામાં આવી રહી છે. સાથે સ્નિફર ડોગ્સ પણ કામગીરીમાં જોતરાયા છે.
આ પહેલાં પાંચ કામદારો લાપતા હોવાના સમાચાર હતા, પરંતુ પછીથી એક વ્યક્તિ મળી આવી. જેથી હવે આંકડો ચાર પર પહોંચ્યો છે.
લાપતા કામદારોને શોધવા માટે વિક્ટિમ લોકેટિંગ કેમેરા, થર્મલ ઇમેજિંગ કેમેરા, ગ્રાઉન્ડ પેનિટ્રેશન રડાર, રેસ્ક્યુ ડોગ્સ વગેરેની મદદ લેવામાં આવી રહી છે. જો વાતાવરણ સાથ આપે તો દ્રોણ, ક્વાડકોપ્ટર, UAV વગેરેની પણ મદદ લેવામાં આવશે. આ સિવાય આર્મી એવિએશનનાં 3 અને વાયુસેનાનાં 2 અને એક સિવિલ એમ કુલ 6 હેલિકૉપ્ટરોને પણ કામે લગાડવામાં આવ્યાં છે. એક આર્મી હેલિકૉપ્ટર સતત ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડી રહ્યું છે.
આ રેસ્ક્યુ કામગીરી પર ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંઘ ધામી સતત નજર રાખી રહ્યા છે. સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સતત અપડેટ લઈ રહ્યા છે અને તમામ એજન્સીઓને પૂરતી મદદ પૂરી પાડવાનું આશ્વાસન કેન્દ્ર તરફથી આપવામાં આવ્યું છે.