Friday, January 24, 2025
More

    મહાકુંભમાં પવિત્ર ડૂબકી લગાવનારાઓની સંખ્યા 10 કરોડ પાર, વિશ્વભરમાંથી આવી રહ્યા છે સનાતનીઓ: પૂર્ણ થતાં સુધીમાં સર્જાશે વિશ્વવિક્રમ

    તીર્થરાજ પ્રયાગરાજમાં (Prayagraj) મહાપર્વ મહાકુંભ (Mahakumbh 2025) ચાલી રહ્યો છે. 144 વર્ષે બનેલા આ મહાયોગમાં વિશ્વભરમાંથી કરોડો સનાતની શ્રદ્ધાળુઓ દરરોજ પવિત્ર ત્રિવેણી સંગમમાં સ્નાન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. સાધુ-સંતો અને સામાન્ય હિંદુઓ કરોડોની સંખ્યામાં મહાકુંભ મ્હાલી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આપેલા આંકડા મુજબ અત્યાર સુધીમાં 10 કરોડથી વધુ લોકો મહાકુંભમાં પવિત્ર સ્નાન કરી ચૂક્યા છે.

    ગત 13 જાન્યુઆરી, 2025ના રોજ શરૂ થયેલા આ મહાપર્વમાં અત્યાર સુધી 10 કરોડથી વધુ લોકો ગંગા, જમના અને ગુપ્ત સરસ્વતી નદીના પવિત્ર સંગમમાં ડૂબકી લગાવી ચૂક્યા છે. આ મામલે સીએમ યોગી આદિત્યનાથના કાર્યાલય પરથી માહિતી આપતી એક X પોસ્ટ પણ કરવામાં આવી છે.

    સત્તાવાર જાણકારી અનુસાર મહાકુંભમાં 10 કરોડનો આંકડો ગુરુવારે (23 જાન્યુઆરી) જ પાર થઈ ગયો હતો. આ આંકડો એક વિશ્વવિક્રમ છે અને વિશ્વમાં વધી રહેલા સનાતનના પ્રભાવને ચિહ્નિત કરે છે. માત્ર ભારતના જ નહીં, વિદેશથી પણ એટલા જ શ્રદ્ધાળુઓ મહાકુંભ આવી રહ્યા છે. રાજ્ય સરકારનું અનુમાન છે કે આ મહાકુંભમાં શ્રદ્ધાળુઓનો આંકડો 45 કરોડને પાર થઈ જશે. નોંધવું જોઈએ કે આટલી અમુક દેશોની વસ્તી પણ નથી. અમેરિકાની વસ્તી પણ 33 કરોડ આસપાસ છે. તેના કરતાં વધુ લોકો મહાકુંભ આવશે.

    સત્તાવાર આંકડાઓ અનુસાર માત્ર ગુરુવારે જ 10 લાખ કલ્પવાસીઓ સહિત 30 લાખ ભક્તોએ પવિત્ર અનુષ્ઠાનોમાં ભાગ લીધો હતો. મહાકુંભના પ્રારંભ એટલે કે મકર સંક્રાંતિના દિવસે જ 3.5 કરોડ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું હતું.13 જાન્યુઆરીએ (પોષ પૂર્ણિમા) આ આંકડો 1.7 કરોડનો હતો. વિશ્વના ખૂણેખૂણેથી શ્રદ્ધાળુઓ મહાકુંભમાં આવી રહ્યા છે.