Monday, March 31, 2025
More

    ‘વધુ બોલીશ તો ટુકડાં કરીને ડ્રમમાં ભરી દઈશ’: ડોંગામાં પ્રેમી સાથે પકડાઈ પત્ની તો આપી દીધી પતિને ધમકી, નોંધાઈ ફરિયાદ

    ઉત્તરપ્રદેશના ગોંડામાં (Gonda) એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જેમાં એક પત્નીએ તેના પ્રેમી સાથે મળીને પતિને ધમકી આપી હતી કે, ‘વધારે બોલીશ તો મેરઠ હત્યાકાંડની (Meerut Murder Case) જેમ તારા પણ ટુકડા કરીને ડ્રમમાં ભરાવી દઈશ.’ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.

    સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયોમાં એક મહિલા તેના પતિ સાથે વાઈપર વડે મારપીટ કરતી દેખાઈ રહી છે. જોકે પોલીસ પાસે પતિ અને પત્ની બંનેએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી ધર્મેન્દ્ર કુશવાહા મૂળ ઝાંસીનો રહેવાસી અને હાલમાં ગોંડાના જલ નિગમમાં કામ કરતો જુનિયર એન્જિનયર છે.

    પોલીસ ફરિયાદમાં સામે આવ્યું છે કે માયા મૌર્યા નામક મહિલાએ વર્ષ 2016માં ધર્મેન્દ્ર કુશવાહા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. 2022માં જ્યારે તેણે માયાના નામે એક મકાન બનાવવાનો કોન્ટ્રાક્ટ માયાના સંબંધી નીરજ મૌર્યાને આપ્યો ત્યારે બંને વચ્ચે નિકટતા વધી.

    કોરોના દરમિયાન નીરજની પત્નીનું મૃત્યુ થતા તેના માયા સાથેના સંબંધો વધુ મજબૂત બન્યા. માયાના પતિનો દાવો છે તેણે માયાને નીરજ સાથે આપત્તિજનક પરિસ્થિતિમાં જોઈ લીધી ત્યારે તેની સાથે મારપીટ કરવામાં આવી હતી.

    માયાએ પ્રેમી સાથે મળીને પતિના ઘરે ચોરી કરવાનો અને તેના સાસુને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો પણ આરોપ છે. પોલીસ ફરિયાદમાં ધર્મેન્દ્રએ દાવો કર્યો છે માયાએ તેને ધમકી આપી હતી કે, ‘વધારે બોલીશ તો મેરઠ હત્યાકાંડની જેમ તારા પણ ટુકડાં કરીને ડ્રમમાં ભરાવી દઈશ.’

    જોકે, માયાએ આ આરોપોને નકારી કાઢ્યા છે અને ધર્મેન્દ્ર પર આરોપ લગાવ્યો છે કે તેણે માયાને 4 વાર ગર્ભપાત કરવા માટે મજબૂર કરી છે. બંને પતિ પત્નીનો છૂટાછેડાનો મામલો અદાલતમાં હોવાનું પણ સામે આવ્યું છે.