Tuesday, March 25, 2025
More

    ‘હોળી વર્ષમાં એક વખત આવે છે, જુમ્મા 52 વખત’: CM યોગીએ કર્યું સંભલ CO અનુજ ચૌધરીનું સમર્થન, કહ્યું- પહેલવાન છે એટલે તેની ભાષા પણ એ પ્રકારની હોય

    તાજેતરમાં સંભલના પોલીસ અધિકારી અનુજ ચૌધરીએ હોળીના તહેવાર અને જુમ્મા પર એક નિવેદન આપ્યું હતું, જેને લઈને વિપક્ષો હોબાળો મચાવી રહ્યા છે. બીજી તરફ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સ્વયં અધિકારીના સમર્થનમાં આવ્યા છે. તેમણે કહ્યું કે, અધિકારી પહેલવાન રહ્યા છે એટલે તેમનું નિવેદન પણ એ પ્રકારનું છે, બાકી તેમણે જે વાત કહી એ સાચી છે. 

    ઈન્ડિયા ટુડે કોન્કલેવમાં તેમને પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે યોગી આદિત્યનાથે કહ્યું કે, “મને લાગે છે કે હોળીના અવસર પર એકબીજાની ભાવનાનું સન્માન કરવું જોઈએ. સ્વાભાવિક રીતે જુમ્માની નમાજ દર શુક્રવારે હોય છે. હોળી વર્ષમાં એક વખત હોય છે. હું એ લોકોને ધન્યવાદ આપવા માંગું છું, જેમણે નિવેદન આપ્યું કે પહેલાં હોળીનું આયોજન થવા દો. 2 વાગ્યા સુધી હોળી રમવા દો, પછી તમે જુમ્માની નમાજ પઢજો. ઘણા મુસ્લિમ ધર્મગુરુઓએ પણ પહેલેથી જ આહ્વાન કરી દીધું છે, અપીલ પણ કરી છે.”

    તેમણે આગળ કહ્યું, “જુમ્માની નમાજ દર અઠવાડિયે પઢવાની છે જ. સ્થગિત પણ થઈ શકે છે, કોઈ બાધ્યકારી તો છે નહીં. જો કોઈ વ્યક્તિ પઢવા જ માંગે છે તો પોતાના ઘરમાં પઢી શકે છે. આવશ્યક નથી કે તે મસ્જિદમાં જ જાય. અથવા તો જવું હોય તો રંગથી પરહેજ ન કરે.”

    તેમણે કહ્યું કે પોલીસ અધિકારીએ આ જ વાત સમજાવી હતી. ત્યારબાદ કહ્યું, “અમારો એ અધિકારી પહેલવાન રહ્યો છે, અર્જુન એવોર્ડ વિજેતા રહ્યો છે, પૂર્વ ઓલિમ્પિયન છે. પહેલવાન એની ભાષામાં બોલે તો અમુક લોકોને વાંધો પડી શકે છે, પણ સત્યનો સ્વીકાર કરવો જોઈએ.”