ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ સ્થિત આયોજિત ભવ્ય મહાકુંભમાં ભાગ લેવા માટે આખી રાજ્ય સરકાર પહોંચી છે. અહીં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં એક કેબિનેટ બેઠક યોજવામાં આવી. બેઠકમાં પ્રયાગરાજ સહિત આખા રાજ્યમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાની અનેક યોજનાઓને મંજૂરી આપવામાં આવી. ઉપરાંત, મિરઝાપુરથી પ્રયાગરાજ સુધી વિંધ્ય એક્સપ્રેસ-વે તેમજ ત્રણ જિલ્લાઓમાં નવી મેડિકલ કોલેજ બનાવવા પણ સત્તાવાર રીતે પરવાનગી આપવામાં આવી હતી.
બેઠકમાં સીએમ યોગીએ ઘોષણા કરી કે બાગપત, હાથરસ અને કાસગંજ ખાતે મેડિકલ કોલેજો ઉભી કરવામાં આવશે. સાથે જ તેમણે પ્રદેશમાં રોકાણકારોને આવકારવા પણ મહત્વપૂર્ણ ઘોષણા કરી અને કહ્યું કે પ્રદેશમાં વિકાસ વધારવા રોકાણકારોનું આગમન જરૂરી છે. સીએમ યોગીએ આ ઉપરાંત કહ્યું કે એરોસ્પેસ અને ડિફેન્સને લગતી 2018માં બનાવવામાં આવેલી નીતિનાં 5 વર્ષ થયાં છે, આથી તેના પર નવેસરથી કામ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
નોંધનીય છે કે આ કેબિનેટ બેઠકમાં ઉત્તર પ્રદેશના તમામ 54 મંત્રીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. બેઠકમાં ભાગ લેનાર મંત્રીઓને ઉત્તર પ્રદેશ સરકાર તરફથી યાદીના ભાગરૂપે મહાકુંભ સંગમના ફોટા સાથેની પ્લેટ અને કળશ ભેટમાં આપવામાં આવ્યાં. બેઠક બાદ સીએમ યોગી આદિત્યનાથ સહિત તમામ મંત્રીઓએ પવિત્ર સંગમમાં સ્નાન કરવાનો નિર્ણય કર્યો.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ સીએમ યોગી પોતાની કેબિનેટને કુંભમાં લાવી ચૂક્યા છે. વર્ષ 2019માં પણ સીએમ યોગીએ પોતાના તમામ મંત્રીઓ સહિત અખાડા પરિષદના અધ્યક્ષ નરેન્દ્રગ્રીરી અને અન્ય સાધુસંતો સાથે પવિત્ર સ્નાન કર્યું હતું.