Tuesday, February 11, 2025
More

    USAIDએ તાત્કાલિક અસરથી અટકાવી દીધું બાંગ્લાદેશને મળતું ફન્ડિંગ, ટ્રમ્પના આદેશ બાદ એક્શન

    અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે રવિવારે (26 જાન્યુઆરી 2025) મહત્વપૂર્ણ નિર્ણય લેતાં બાંગ્લાદેશને આપવામાં આવનાર તમામ પ્રકારની આર્થિક સહાય બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ મામલે અમેરિકન સંસ્થા યુનાઇટેડ સ્ટેટ્સ એજેન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલોપમેન્ટે (USAID) બાંગ્લાદેશમાં પોતાની તમામ પરિયોજનાઓ તાત્કાલિક બંધ કરવાના દિશા નિર્દેશ જાહેર કર્યા છે. આ માટે સંસ્થાએ ટ્રમ્પ સરકારના કાર્યકારી આદેશનો હવાલો આપ્યો છે.

    USAID દ્વારા એક સત્તાવાર પત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પત્રમાં અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના કાર્યકારી આદેશનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું છે કે, “તમામ USAID ભાગીદારોને આદેશ આપવામાં આવી રહ્યો છે કે USAID અને બાંગ્લાદેશ વચ્ચેની સંધિ અંતર્ગત આપવામાં આવતી સબસિડી, સહકારી યોજનાઓ અને અન્ય સહાયતા આપતાં કાર્યો ત્વરિત રીતે બંધ કે સસ્પેન્ડ કરવામાં આવી રહ્યાં છે.”

    નોંધનીય છે કે USAID એક અમેરિકન સંસ્થા છે જે અમેરિકન સરકારના સહયોગથી અન્ય દેશોની NGO, ખાનગી ક્ષેત્રો અને સ્થાનિક સમુદાયો સાથે રહીને કાર્ય કરે છે. અમેરિકન સંસદ આ માટે તેને ભંડોળ પૂરું પાડે છે. USAID મુખ્યત્વે એજ્યુકેશન, આર્થિક વિકાસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિતનાં ક્ષેત્રોમાં કામો કરે છે. તે લગભગ 100થી વધુ દેશોમાં કાર્યરત છે.

    અહીં નોંધવું જોઈએ કે મોહમ્મદ યુનુસને પૂર્વ રાષ્ટ્રપતિ જો બાયડનના નજીકના માનવામાં આવે છે. તો ટ્રમ્પ અને તેમની ટીમ પણ યુનુસને બાયડન સમર્થક માને છે. કહેવામાં આવી રહ્યું છે કે આવનાર સમયમાં બાંગ્લાદેશમાં ફરી એક વાર ચૂંટણીઓ થવાની શક્યતાઓ છે, જેમાં ફરી લોકતાંત્રિક સરકાર ચૂંટાશે.