Thursday, March 20, 2025
More

    અમેરિકાથી ગેરકાયદે નાગરિકોના ત્રીજા જથ્થાને લઈ આવેલું વિમાન અમૃતસર પહોંચ્યું: 112 લોકોને કરાયા ડિપોર્ટ

    અમેરિકાથી ગેરકાયદે નાગરિકોના ત્રીજા જથ્થાને લઈને અમેરિકી વાયુસેનાનું વિમાન અમૃતસર પહોંચ્યું હતું. 16 ફેબ્રુઆરીના રોજ રાત્રે લગભગ 10 કલાકે આ વિમાન અમૃતસરમાં લેન્ડ થયું હતું. અમેરિકી એરફોર્સના C-17A ગ્લોબમાસ્ટર વિમાનમાં 112 લોકોને લવાયા હતા. તેમાં હરિયાણાના 44, પંજાબના 31 અને ગુજરાતના 33 લોકોનો સમાવેશ થયો છે.

    તે સાથે જ 2 લોકો યુપીના અને 1 ઉત્તરાખંડ તથા 1 હિમાચલ પ્રદેશના પણ હતા. સુરક્ષા એજન્સીઓએ અમેરિકાથી પરત કરાયેલા 112 લોકોની થોડી પૂછપરછ પણ કરી હતી અને 17 ફેબ્રુઆરી, 2025ના રોજ સવારે તેમને ઘર માટે રવાના કરી દેવામાં આવ્યા હતા.

    નોંધવા જેવું છે કે, આ પહેલાં શનિવારે પણ એક વિમાનમાં 119 ભારતીય નાગરિકોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. તેમાં મોટાભાગના લોકો હરિયાણા, પંજાબ અને ગુજરાતના હતા. તે પહેલાં 5 ફેબ્રુઆરીના રોજ પણ ઘણા ગેરકાયદે નાગરિકોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા.