Saturday, May 17, 2025
More

    ભારત આવી રહ્યા છે અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને પરિવાર: અક્ષરધામ મંદિરે જશે, પીએમ મોદીના નિવાસસ્થાને વિશેષ રાત્રિભોજનું આયોજન 

    અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ સોમવારે (21 એપ્રિલ) ભારતની મુલાકાતે આવી રહ્યા છે. ઉપરાષ્ટ્રપતિ બન્યા બાદ આ તેમની પ્રથમ ભારત યાત્રા હશે. તેમની સાથે પત્ની ઉષા વેન્સ અને ત્રણ બાળકો પણ હશે. ઉષા મૂળ ભારતીય છે. તેઓ ચાર દિવસ ભારતમાં રોકાશે. 

    દિલ્હી એરપોર્ટ પર વેન્સ પરિવારનું સ્વાગત કેન્દ્રીય મંત્રી કક્ષાની વ્યક્તિ કરશે. આગમન બાદ તેઓ તરત દિલ્હી સ્થિત સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર જઈ શકે છે. 

    અમેરિકન ઉપરાષ્ટ્રપતિ આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરશે. તેમના માટે વડાપ્રધાનના નિવાસસ્થાને ડિનરનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક પણ થશે, જેમાં અનેક અગત્યના મુદ્દાઓ ઉપર વાતચીત થઈ શકે છે. 

    દિલ્હીથી વેન્સ અને તેમનો પરિવાર જયપુર જવા માટે રવાના થશે. જયપુરમાં રાજસ્થાન ઈન્ટરનેશનલ સેન્ટર ખાતે એક કાર્યક્રમમાં વેન્સ હાજરી આપશે. તેમજ આમેરના કિલ્લાની પણ મુલાકાત લેશે.

    ત્યારબાદ 23 એપ્રિલના રોજ તેઓ આગ્રા ખાતે પહોંચશે, જ્યાં તાજમહલની મુલાકાત લેશે. આ સિવાય ઓપન એર માર્કેટ પણ જઈ શકે છે. જ્યાંથી સાંજે તેઓ ફરીથી જયપુર આવશે. 24 એપ્રિલના રોજ તેઓ અમેરિકા પરત ફરવા માટે રવાના થશે. 

    જે. ડી વેન્સ અને પરિવાર 18 એપ્રિલથી 20 એપ્રિલ સુધી ઇટલીની યાત્રાએ છે. ત્યારબાદ તેઓ ભારત આવશે. જોકે પીએમ મોદી 22-23 એપ્રિલ માટે સાઉદી અરેબિયા જઈ રહ્યા હોવાથી 21 એપ્રિલના રોજ જ બંને નેતાઓની મુલાકાત થઈ જશે.