અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે. ડી વેન્સ આ મહિને ભારતની મુલાકાત લઈ શકે છે. આવું મીડિયા અહેવાલો મારફતે જણાવવામાં આવી રહ્યું છે. ભારત અને અમેરિકા- બંને દેશોની સરકારો તરફથી આ બાબતની સત્તાવાર પુષ્ટિની રાહ જોવામાં આવી રહી છે.
અમેરિકન ડિજિટલ મીડિયા આઉટલેટ પોલિટિકોએ એક રિપોર્ટમાં આ દાવો કર્યો છે. જો વેન્સ ભારતની મુલાકાત કરે તો ઉપરાષ્ટ્રપતિ તરીકે આ તેમની બીજી જ વિદેશ યાત્રા હશે. આ પહેલાં તેઓ ફ્રાન્સ અને જર્મનીની યાત્રા કરી ચૂક્યા છે.
આ યાત્રા દરમિયાન જે. ડીનાં પત્ની ઉષા વેન્સ પણ તેમની સાથે ભારત આવશે તેમ જણાવાય રહ્યું છે. ઉષાનો પરિવાર મૂળ ભારતનો છે. વેન્સ ઉપરાષ્ટ્રપતિ બન્યા બાદ ઉષાની પણ આ પ્રથમ ભારત યાત્રા હશે.
આગામી અઠવાડિયે યુએસ નેશનલ ઇન્ટેલીજન્સ ડાયરેક્ટર તુલસી ગબાર્ડ પણ ભારત આવી રહ્યાં છે. જે ટ્રમ્પ સરકારમાંથી કોઈ પદાધિકારીની પ્રથમ ભારત યાત્રા છે.