અમેરિકા અને ચીન (America China Tariff War) વચ્ચેના સંબંધો વધુ કડવા બની રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ચીન પર 104% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. ચીન પરનો નવો વધેલો ટેરિફ 9 એપ્રિલથી અમલમાં આવશે. આ પહેલાં અમેરિકાએ ચીન પર 34 ટકા ટેરિફ લાદ્યો હતો. આના જવાબમાં ચીને પણ અમેરિકા પર 34 ટકા ટેરિફ લાદ્યો.
આ અંગે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને ધમકી આપી હતી કે જો ચીન 8 એપ્રિલ, 2025 સુધીમાં 34% વધારો પાછો નહીં ખેંચે, તો અમેરિકા ચીન પર 50% નો વધારાનો ટેરિફ લાદશે, જે 9 એપ્રિલથી અમલમાં આવશે. આ ઉપરાંત, ચીન સાથેની તમામ વાટાઘાટો પણ રદ કરવામાં આવશે.
ચીને આનો સખત વિરોધ કર્યો છે. ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું, “અમે આખર સુધી લડીશું અને અમારા હિતોનું રક્ષણ કરવા પગલાં લઈશું.” ચીને 34% ટેરિફ ઉપરાંત રેર અર્થ મિનરલ્સ પર નિકાસ નિયંત્રણો અને અમેરિકન કંપનીઓ પર પ્રતિબંધો જાહેર કર્યા છે.
ચીને માંગી ભારતની મદદ
બીજી તરફ ચીનના વડા પ્રધાન લી કિયાંગે જણાવ્યું હતું કે તેમનો દેશ કોઈપણ નકારાત્મક બાહ્ય આંચકાઓને ‘સહન કરવા સંપૂર્ણપણે’ તૈયાર છે, અને યુએસ રાષ્ટ્રપતિના તાજેતરના ટેરિફ ધમકી છતાં, 2025માં વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ‘સતત અને સ્વસ્થ આર્થિક વૃદ્ધિ જાળવી રાખવા’નું પણ કહ્યું હતું.
આ સિવાય ચીને ભારતને અમેરિકા દ્વારા ટેરિફના દુરુપયોગનો વિરોધ કરવામાં તેની સાથે જોડાવા વિનંતી કરી હતી. ભારતમાં ચીની દૂતાવાસના પ્રવક્તા યુ જિંગે કહ્યું હતું કે ભારત અને ચીન, બે સૌથી મોટા વિકાસશીલ દેશો તરીકે, યુએસ ટેરિફ પગલાં સામે એક થવું જોઈએ.