Friday, April 25, 2025
More

    યમનના હૂતીઓ પર અમેરિકાની એરસ્ટ્રાઇક, 24 ઠાર: ટ્રમ્પનો ‘કહેર વરસાવવા’ આદેશ, કહ્યું- તમારો સમય હવે ખતમ

    અમેરિકાએ યમનના હૂતીઓ પર એરસ્ટ્રાઇક શરૂ કરી દીધી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. લાલ સમુદ્રમાં અમેરિકી જહાજો પર તાજેતરમાં જ હૂતીઓએ અનેક હુમલાઓ કર્યા હતા. જેના જવાબના ભાગરૂપે અમેરિકાએ પણ હવાઈ હુમલા શરૂ કરી દીધા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે આદેશ આપતા કહ્યું છે કે, હૂતીઓ પર કહેર વરસાવવામાં આવશે.

    તેમણે પોતાના ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર લખ્યું છે કે, “ઈરાન દ્વારા વિત્તપોષિત હૂતી ગુંડાઓએ અમેરિકી વિમાનો પર મિસાઈલો વરસાવી છે અને અમારા સૈનિકો તથા સહયોગીઓને ટાર્ગેટ કર્યા છે.” તેમણે વધુમાં કહ્યું કે, “તેમની સમુદ્રી લૂંટ, હિંસા અને આતંકવાદના કારણે અરબો ડોલરનું નુકસાન થયું છે અને અમારા લોકોનો જીવ જોખમમાં પડ્યો છે.”

    ઈરાન સમર્થિત વિદ્રોહી જૂથ, જે ઇઝરાયેલને પોતાનો દુશ્મન માને છે અને સ્નાન અને યમનના ઉત્તર-પશ્ચિમી ભાગ પર નિયંત્રણ રાખી રહ્યું છે. જોકે, એક દેશ તરીકે દુનિયાએ તેને આંતરરાષ્ટ્રીય માન્યતા આપી નથી. હૂતીએ લાલ સમુદ્રમાં નીકળતા અનેક વેપારી જહાજોને ટાર્ગેટ કર્યા છે, ઇઝરાયેલ-હમાસ સંઘર્ષ દરમિયાન તેમણે આ હુમલાઓ તેજ કર્યા હતા.

    રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું છે કે, આ હુમલાઓને હવે સહન કરવામાં નહીં આવે. તેમણે કહ્યું છે કે, “જ્યાં સુધી અમે અમારો ઉદ્દેશ્ય પૂર્ણ નહીં કરીએ, ત્યાં સુધી અમે વધુ ઘાતક બળનો પ્રયોગ કરીશું.” વધુમાં તેમણે હૂતી આતંકીઓને ચેતવણી આપી છે કે, “હવે તમારો સમય ખતમ થઈ ગયો છે.” વધુમાં તે પણ સામે આવ્યું છે કે, અમેરિકી એરસ્ટ્રાઇકમાં 24 હૂતીઓ માર્યા ગયા છે.