અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ હવે પરિણામો ઘોષિત થઈ રહ્યાં છે. શરૂઆતનાં પરિણામોમાં રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને લીડ મળતી જણાય રહી છે. જ્યારે કમલા હૅરિસ શરૂઆતમાં પાછળ રહ્યા બાદ હવે ફરી બઢત મેળવી છે.
આ લખાય રહ્યું છે ત્યારે (સવારે 10:45ની સ્થિતિએ) ટ્રમ્પ 230 ઇલેક્ટોરલ વૉટ સાથે આગળ છે. જ્યારે કમલા હૅરિસને 210 વૉટ મળ્યા છે. બહુમતી માટે 270 વૉટ મળવા જરૂરી છે. આમ ડોનાલ્ડ ટ્રમ્પ બહુમતીથી હજુ પણ 40 ઇલેક્ટોરલ વૉટ દૂર છે.
શરૂઆતમાં બંને ઉમેદવારો વચ્ચે અંતર ઘણું વધારે હતું, પરંતુ કેલિફોર્નિયા, વૉશિંગ્ટન અને ઓરેગનનાં પરિણામો આવ્યા બાદ કમલા હૅરિસના વૉટ વધી ગયા. આ ત્રણેય રાજ્યોમાં તેમને બહુમતી મળી છે. કેલિફોર્નિયાના 54, ઓરેગનના 8 અને વૉશિંગ્ટનના 12 વૉટ હૅરિસના ખાતામાં ગયા છે.
હવે અલાસ્કાનાં પરિણામોની રાહ જોવામાં આવી રહી છે, જ્યાં ભારતીય સમય પ્રમાણે સવારે 11:30 વાગ્યે ગણતરી શરૂ થશે.
સાત સ્વિંગ સ્ટેટ્સ, જે પરિણામો માટે અત્યંત અગત્યનાં છે, ત્યાં મોટાભાગનાં રાજ્યોમાં ડોનાલ્ડ ટ્રમ્પ આગળ ચાલી રહ્યા છે. માત્ર મિશિગનમાં કમલા હૅરિસ આગળ છે, જ્યારે નેવાદાનાં પરિણામની રાહ જોવામાં આવી રહી છે.