Monday, July 14, 2025
More

    ‘હું ગમે તેટલા શાંતિ લાવવાના પ્રયાસ કરું તોપણ…’ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી વ્યક્ત કરી નોબેલ પીસ પ્રાઇઝની આશ

    ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કાંગો (DRC) અને રવાંડાએ પૂર્વી કાંગોમાં હિંસાને ખતમ કરવા માટે એક શરૂઆતી સમજૂતી પર હસ્તાક્ષર કર્યાં છે. બંને દેશો વચ્ચે આ સમજૂતી અમેરિકાના (USA) વોશિંગ્ટન ડીસીમાં બુધવારે (18 જૂન) રાત્રે થઈ હતી. આ બાબતને ટાંકીને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (President Donald Trump) ફરી એક વખત નોબેલ શાંતિ પુરસ્કારની (Nobel Peace Prize) આશા લગાવી છે. 

    ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ કરીને લખ્યું છે કે, “મને તેના માટે (કાંગો રવાંડા વચ્ચે સંધિ માટે) નોબેલ શાંતિ પુરસ્કાર નહીં મળે. મને ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ રોકવાને લઈને નોબેલ શાંતિ પુરસ્કાર નહીં મળે. મને સર્બિયા અને કોસોવો વચ્ચે યુદ્ધ રોકવા પર નોબેલ શાંતિ પુરસ્કાર નહીં મળે. મને ઈજિપ્ત અને ઇથોપિયા વચ્ચે શાંતિ જાળવવા બદલ નોબેલ શાંતિ પુરસ્કાર નહીં મળે.” 

    તેમણે વધુમાં કહ્યું કે, “મને મધ્યપૂર્વમાં અબ્રાહમ સમજૂતી કરવા માટે નોબેલ શાંતિ પુરસ્કાર નહીં મળે. જો બધુ બરાબર થયું તો અન્ય દેશો પણ આમાં સામેલ થશે અને ‘યુગો’માં પહેલી વખત મધ્યપૂર્વને એકીકૃત કરવામાં આવશે! નહીં, મને નોબેલ શાંતિ પુરસ્કાર નહીં મળે, ભલે હું ગમે તે કરું, જેમાં રશિયા-યુક્રેન અને ઇઝરાયેલ-ઈરાન સામેલ છે, જે પણ પરિણામ હોય, પણ લોકો જાણે છે કે, અને તે જ મારા માટે તે જ મહત્વનું છે.”