અમેરિકાના (US) નેશનલ ઇન્ટેલિજન્સના ડાયરેક્ટર તુલસી ગબાર્ડ (Tulsi Gabbard) હાલ ભારતની યાત્રા પર છે. ટેઓ રાયસીના ડાયલોગમાં ભાગ લેવા માટે ભારત (India) પહોંચ્યા છે. તે પહેલાં તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે, તેઓ ભારત આવીને ખૂબ ઉત્સુક છે. તેમણે એવું પણ કહ્યું કે, જે ટ્રમ્પ (Trump) અમેરિકા માટે ઈચ્છે, તે જ મોદી (PM Modi) ભારત માટે ઈચ્છે છે. વધુમાં તેમણે ટેરિફ મુદ્દે ચાલી રહેલા વિવાદ વિશે પણ નિવેદન આપ્યું હતું.
તુલસી ગબાર્ડે કહ્યું છે કે, “મેં છેલ્લા ઘણા દિવસોમાં ભારત સરકારના અધિકારીઓ પાસેથી સાંભળ્યું છે કે, ભારતમાં તક ઘણી છે. આપણાં આર્થિક સંબંધોને મજબૂત કરવાની ઘણી સંભાવનાઓ છે અને મને તે જાણીને ખુશી પણ થઈ છે. જ્યાં સુધી વાત ટેરિફની છે તો તેને નકારાત્મક રીતે જોવા કરતાં વધુ સકારાત્મક રીતે જોવામાં આવવું જોઈએ.”
તેમણે વધુમાં કહ્યું કે, “તેમાં કોઈ શંકા નથી કે, વડાપ્રધાન મોદી ભારતની અર્થવ્યવસ્થા અને ભારતના લોકો માટે સર્વોત્તમ હિત જોઈ રહ્યો છે. ઠીક એ જ રીતે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પણ અમેરિકા, અમારા આર્થિક હિતો અને દેશના હિતોને આગળ રાખી રહ્યા છે. PM મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ સારા સમાધાન તરફ આગળ વધી રહ્યા છે.”
તેમણે વધુમાં કહ્યું કે, “બંને દેશના નેતાઓ પાસે કોમન સેન્સ છે અને તેઓ ઉત્તમ સમાધાન શોધી રહ્યા છે. બંને દેશો વચ્ચે ટેરિફ મુદ્દે શીર્ષ સ્તર સુધી વાતચીત ચાલી રહી છે. હું વ્યક્તિગત રીતે ભારત આવીને ખૂબ જ ઉત્સાહિત છું.”