યુનાઈટેડ સ્ટેટ ઑફ અમેરિકાએ 104 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને ભારત પરત મોકલ્યાના 10 દિવસ બાદ હવે ફરી વધુ 119 ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને અમેરિકી મિલીટરી પ્લેન અમૃતસરમાં લેન્ડ થયું છે. શનિવારે (15 ફેબ્રુઆરી) અડધી રાત્રિએ આ પ્લેન અમૃતસરમાં લેન્ડ કર્યું છે. આ સાથે જ એવી સંભાવના પણ છે કે, રવિવારે વધુ 157 ડિપોર્ટેડ લોકોની ત્રીજી ટુકડી પણ અમૃતસર પહોંચશે.
શનિવારે 119 ઇમિગ્રન્ટ્સને લઈને C17 ગ્લોબમાસ્ટર III વિમાન રાત્રે 11:40 કલાકે અમૃતસર એરપોર્ટ પર લેન્ડ થયું હતું. આ 119 લોકોમાંથી 100 હરિયાણા અને પંજાબના છે. તેમાંથી પણ 67 પંજાબના અને 33 હરિયાણાના છે. વધુમાં 8 ગુજરાતી, ત્રણ યુપીના, બે ગોવા, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના તથા એક હિમાચલ પ્રદેશના અને જમ્મુ-કાશ્મીરના વ્યક્તિ હોવાનું સામે આવ્યું છે.
આ સાથે જ સૂત્રોને ટાંકીને અહેવાલોમાં કહેવાય રહ્યું છે કે, ડિપોર્ટ કરાયેલા લોકોમાં ચાર મહિલાઓ અને 2 સગીર પણ સામેલ છે. વધુમાં તે પણ કહેવાયું છે કે, ડિપોર્ટ કરાયેલા લોકોમાં વધુ લોકો 18થી 30 વર્ષની ઉમંર વચ્ચેના છે. તેમને ભોજન કરાવ્યા બાદ પોતપોતાનાં વતન તરફ રવાના કરવામાં આવ્યા હતા.