અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી (US ELections) બાદ પરિણામો જાહેર થઈ રહ્યાં છે. ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ભવ્ય વિજય થતો જણાય રહ્યો છે. બીજી તરફ, ડેમોક્રેટ ઉમેદવાર અને ઉપરાષ્ટ્રપતિ કમલા હૅરિસે (Kamala Harris) કારમા પરાજયનો સામનો કરવો પડ્યો.
પરાજય બાદ કમલાએ પરિણામ બાદનું સંબોધન રદ કરી દીધું છે. ચૂંટણી પરિણામો પહેલાં જાહેરાત કરવામાં આવી હતી કે કમલા હૅરિસ હાવર્ડ યુનિવર્સિટીમાં એક સંબોધન કરશે. પરંતુ જેમ-જેમ તેઓ જીતથી દૂર થતાં ગયાં તેમ સમર્થકોની આશા પર પાણી ફરી વળ્યું અને આખરે ભાષણ રદ કરી દેવામાં આવ્યું.
કમલા હૅરિસના આ નિર્ણયને પરાજયના સ્વીકાર તરીકે જોવામાં આવી રહ્યો છે. જોકે, હજુ સુધી તેમણે સત્તાવાર રીતે કોઈ પ્રતિક્રિયા આપી નથી કે ન ટ્રમ્પને જીતની શુભકામનાઓ પાઠવી છે.
કાર્યક્રમમાં જણાવવામાં આવ્યું કે, “આજે તમે ઉપરાષ્ટ્રપતિને સાંભળી શકશો નહીં. પરંતુ તેઓ આવતીકાલે સંબોધન કરવા માટે આવશે. આવતીકાલે તેઓ ન માત્ર હાવર્ડ પરિવારને સંબોધિત કરવા આવશે પરંતુ રાષ્ટ્રજોગ સંબોધન પણ કરશે.”
આ લખાય રહ્યું છે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ બહુમતીથી માત્ર 3 ઇલેક્ટોરલ વૉટ દૂર છે. જ્યારે કમલા હૅરિસ ઘણાં પાછળ ચાલી રહ્યાં છે.