અમેરિકાથી (USA) પનામા (Panama) મોકલવામાં આવેલા 12 ભારતીય નાગરિકોને લઈને એક ફ્લાઇટ 23 ફેબ્રુઆરીએ રાજધાની નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરી હતી. નોંધનીય છે કે પનામાથી પરત લાવવામાં (Deported) આવનારા ભારતીયોનો (Indians) આ પહેલો સમૂહ હતો.
ભારતીયોના આ જૂથને લઈને ટર્કિશ એરલાઇન્સની ફ્લાઇટ ઇસ્તંબુલ થઈને નવી દિલ્હી પહોંચી હતી. અહેવાલ અનુસાર, ભારત આવેલા 12 લોકોમાંથી 4 પંજાબના અને 5 હરિયાણા અને 3 ઉત્તર પ્રદેશના છે.
Fourth flight with 12 Indians deported from US lands in #Delhi #Deportion #USIllegalMigrant #TV9Gujarati #TV9News pic.twitter.com/5oMfG0HICD
— Tv9 Gujarati (@tv9gujarati) February 24, 2025
અમેરિકાએ કુલ 299 અન્ય ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પણ દેશનિકાલ કરવાની યોજના બનાવી છે. જેમાં ઘણા ભારતીય નાગરિકોનો પણ સમાવેશ થાય છે. પનામામાં હાજર 299માંથી, ફક્ત 171 લોકો જ તેમના દેશમાં પાછા ફરવા સહમતી આપી છે.
પનામામાં નજરકેદ હેઠળ હોટેલમાં રાખવામાં આવેલ કેટલાક લોકોના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા જેમાં તેઓ હોટલની બારીઓમાંથી મદદ માંગતા દેખાઈ રહ્યા હતા. જોકે, સુરક્ષા મંત્રી ફ્રેન્ક એબ્રેગોએ સ્પષ્ટતા કરી હતી કે, “આ લોકો કસ્ટડીમાં નથી, પરંતુ સુરક્ષા કારણોસર તેમને હોટલની બહાર જવાની મંજૂરી નથી.”
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ વહીવટીતંત્રે ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશેલા લાખો ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવાના પ્રયાસો તેજ કર્યા છે. આ કડક કાર્યવાહી હેઠળ, અમેરિકાએ ત્રણ બેચમાં કુલ 332 ભારતીય નાગરિકોને ભારત મોકલી દીધા છે.