Sunday, June 22, 2025
More

    ભારતની નકલ કરવા ગયા પાકિસ્તાનીઓ, પણ વિદેશ જઈને દેશની જ પોલ ખોલી આવ્યા: બિલવાલ ભુટ્ટોના પ્રતિનિધિમંડળને યુએસ સાંસદે કહ્યું– પહેલાં જૈશ સામે પગલાં લો

    પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ અને તેની અન્ય કરતૂતોની પોલ ખોલવા માટે ભારત સરકારે દુનિયાના વિવિધ દેશોમાં સાંસદોનાં પ્રતિનિધિમંડળો મોકલ્યા બાદ પાકિસ્તાને પણ નકલ કરવા માટે પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોની (Bilawal Bhutto) આગેવાનીમાં એક પ્રતિનિધિમંડળ મોકલ્યું હતું. પરંતુ મૂળ તફાવત એ છે કે ભારતીય પ્રતિનિધિમંડળને આવકાર પણ મળ્યો અને તેમની વાત પણ તમામ દેશોએ સંભાળીને એક સૂરે સમર્થન આપ્યું, જ્યારે પાકિસ્તાનના પ્રતિનિધિમંડળને મળી સલાહ. 

    અહેવાલો અનુસાર, અમેરિકા પહોંચેલા બિલાવલ ભુટ્ટો અને અન્ય પાકિસ્તાની નેતાઓને અમેરિકન સાંસદોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તેઓ જૈશ-એ-મોહમ્મદ નામના આતંકવાદી સંગઠન વિરુદ્ધ કડક પગલાં લે અને ધાર્મિક લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરે. 

    યુએસ સાંસદ બ્રેડ શર્મને ત્યારબાદ એક્સ પર એક પોસ્ટ કરીને આ બાબતની જાણકારી આપી અને કહ્યું કે તેમણે પાકિસ્તાની નેતાઓ સાથેની વાતચીત દરમિયાન આતંકવાદને ડામવા માટે અને તેના મહત્ત્વ વિશે ચર્ચા કરી અને ખાસ કરીને જૈશ-એ-મોહમ્મદ વિરુદ્ધ પગલાં લેવા વિશે વાત થઈ. તેમણે ડેનિયલ પર્લનો પણ ઉલ્લેખ કર્યો, જેની જૈશના આતંકીઓએ 2002માં હત્યા કરી નાખી હતી. 

    તેમણે ઉમેર્યું કે, “પાકિસ્તાનમાં રહેતા ખ્રિસ્તીઓ, હિંદુઓ અને અહમદિયા મુસ્લિમોને તેમના ધર્મ, આસ્થાના પાલન માટે યોગ્ય વાતાવરણ મળવું જોઈએ અને તેઓ લોકતાંત્રિક વ્યવસ્થામાં, કોઈ પણ પ્રકારના ડર, હિંસા, પ્રતાડના કે ભેદભાવ વગર રહી શકે, યોગ્ય ન્યાય મળે તે માટેની વ્યવસ્થા સુનિશ્ચિત કરવી જોઈએ.”