આખરે યુક્રેન અને અમેરિકા વચ્ચે મિનરલ્સ ડીલ નક્કી થઈ ગઈ છે. બુધવારે (30 એપ્રિલ) બંને દેશોએ હસ્તાક્ષર કર્યા. આ એ જ કરાર છે, જેની ઉપર ચર્ચા કરવા માટે થોડા સમય પહેલાં યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલિડિમિર ઝેલેન્સ્કી અમેરિકા ગયા હતા, પરંતુ વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ વેન્સ સાથે ઉગ્ર ચર્ચા થતાં બેઠક છોડીને પરત ફરવું પડ્યું હતું.
આ ડીલ હેઠળ અમેરિકા યુક્રેનમાં મળતાં અમુક દુર્લભ ખનિજો મેળવી શકશે અને રિકન્સ્ટ્રક્શનમાં પણ રોકાણ કરશે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી જ આ ડીલ થાય તે માટે પ્રયત્નશીલ હતા. તેઓ રશિયા-યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધમાં મધ્યસ્થી કરવા માટે કામ કરી રહ્યા છે અને તેમાં આ ડીલની ભૂમિકા અગત્યની સાબિત થાય એમ હતું.
ઉલ્લેખનીય છે કે રશિયા સામેના યુદ્ધમાં અમેરિકા યુક્રેનને તગડી આર્થિક મદદ કરી રહ્યું છે અને ત્યાર સુધીમાં કરોડો ડોલર ખર્ચાયા છે. ટ્રમ્પે રાષ્ટ્રપતિ બનતાંની સાથે જ યુક્રેન પર આ ડીલ પર હસ્તાક્ષર કરવા માટે દબાણ શરૂ કરી દીધું હતું અને તેમની દલીલ હતી કે આ ખર્ચના વળતર તરીકે અમેરિકાને પણ ખનિજો સુધી પહોંચ મળવી જોઈએ.
યુક્રેનમાં અમુક એવાં દુર્લભ ખનિજો મળી આવે છે, જે અનેક ચીજવસ્તુઓમાં વપરાય છે. યુક્રેનના ડેટા અનુસાર, યુરોપિયન યુનિયને જે 34 અતિઅગત્યનાં ખનિજોની ઓળખ કરી છે, તેમાંથી 22 યુક્રેનમાં મળી આવે છે. જેમાં ઔદ્યોગિક અને બાંધકામની સામગ્રી પણ સામેલ છે. EV બેટરીમાં વપરાતું લિથિયમ, બરેલિયમ, મેંગેનીઝ, ગ્રેફાઇટ વગેરે પણ સામેલ છે.