Saturday, March 29, 2025
More

    જયપુરમાં વીર તેજાજી મહારાજની મૂર્તિ ખંડિત કરાતા હોબાળો, ‘જય શ્રીરામ’ના નારા સાથે રસ્તા પર ઉતરી આવ્યા સેંકડો હિંદુઓ: તપાસ શરૂ

    જયપુરમાં વીર તેજાજી મહારાજની મૂર્તિ ખંડિત કરવાને લઈને ભારે હોબાળો થયો છે. રસ્તા પર હજારોનીઓ સંખ્યામાં હિંદુ સમાજના લોકો ઉતરી આવ્યા હતા અને ભારે હોબાળો પણ કર્યો હતો. જયપુરના સાંગાનેર વિસ્તારના પ્રતાપનગર સેક્ટર-3માં વીર તેજાજી મહારાજની મૂર્તિને કેટલાક અસામાજિક તત્વો દ્વારા તોડી પાડવામાં આવી હતી.

    ઘટના બાદ સ્થાનિક લોકોમાં આક્રોશ ફેલાઈ ગયો હતો અને લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. લોકોએ જયપુર-ટોંક રોડ પણ બ્લોક કરી દીધો હતો અને ટાયર બાળીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઘટના બાદ મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ ઘટના સ્થળે તહેનાત કરવામાં આવી હતી. ત્રણ કલાક સુધી રસ્તા બ્લોક કર્યા બાદ પોલીસ પ્રશાસન દ્વારા રસ્તાઓ ખોલવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી.

    લગભગ બપોરના 1.30 કલાકની આસપાસ રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા હતા. આ પહેલાં શનિવારે (29 માર્ચ) સવારે પોલીસને મંદિરની મૂર્તિ ખંડિત હોવાની માહિતી મળી હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, શુક્રવારે રાત્રે લગભગ 3 કલાકે કેટલાક અસામાજિક તત્વોએ મૂર્તિ તોડી પાડી હતી.

    હાલ પોલીસના જણાવ્યા અનુસાર, 10 વાગ્યાથી જામ કરવામાં આવેલો રોડ ખોલી નાખવામાં આવ્યો છે અને ઉચ્ચ અધિકારીઓ સ્થાનિકોને સમજાવી રહ્યા છે. જોકે, સ્થિતિ હાલ નિયંત્રણમાં હોવાનું કહેવાય રહ્યું છે. આ સાથે જ ઘટનાને લઈને પોલીસ તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. હાલ પોલીસ મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ કરી રહી છે.

    આ ઘટનાને લઈને વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળના પદાધિકારીઓએ કહ્યું છે કે, વીર તેજાજીનું મંદિર ઘણું પ્રાચીન છે અને ત્યાં દર વર્ષે મેળો પણ ભરાય છે. વધુમાં કહ્યું છે કે, પોલીસે 12 કલાકનો સમય માંગ્યો છે. આ ઘટનાના કારણે લોકોની ધાર્મિક આસ્થાઓને ઠેસ પહોંચી છે અને તેથી જ હિંદુ સંગઠનોની સાથે સેંકડોની સંખ્યામાં સ્થાનિક લોકોએ રસ્તા જામ કર્યા હતા.