Wednesday, January 29, 2025
More

    સંભલમાં મળ્યા ભગવાન રામ-લક્ષ્મણ-જાનકીના ચિત્રણવાળા સિક્કા, 19 મહાકુપ પૈકી 17ને શોધવામાં પ્રશાસન સફળ: પ્રાચીન વારસાની શોધ ચાલુ

    ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) સંભલમાં (Sambhal) સનાતન સંસ્કૃતિ સાથે સંકળાયેલા સ્થળો સતત સામે આવી રહ્યા છે. ત્યારે આ મામલે સંભલના DM રાજેન્દ્ર પેંસિયાએ ANI સાથે વાત કરતા મહત્વપૂર્ણ જાણકારી આપી હતી. તેમણે મહર્ષિ દધીચિ આશ્રમ અને અમરપતિ ખેડા ખાતે ASI દ્વારા શોધવામાં આવેલી નવી બે ઐતિહાસિક જગ્યાઓ વિશે માહિતી આપી હતી.

    સંભલના DM રાજેન્દ્ર પેંસિયાએ જણાવ્યું હતું કે, “કૂલ 87 દેવ તીર્થ છે અને તે પૈકીના 5ને મહાતીર્થ માનવામાં આવે છે. 87 દેવ તીર્થમાં 19 મહાકુપનો (કુવા) સમાવેશ થાય છે, જે પૈકી 17ની શોધ કરી દેવામાં આવી છે. અમે 41 તીર્થ પણ શોધ્યા છે. તેની સંખ્યા સતત વધી રહી છે. આ બંને સ્થાન દધીચિ આશ્રમ અને અમરપતિ ખેડા એક બીજાથી ખૂબ જ નજીક છે.”

    તેમણે જણાવ્યું કે, “આ જગ્યા લગભગ સાત દાયકાઓ સુધી દબાયેલી હતી અને અહીં 70 વર્ષ બાદ ASIએ શોધ કરી છે. અહીં કેટલાક સિક્કા મળી આવ્યા છે, જે ઇસ. 1200થી લઈને 1700 સુધીના હોવાનું માનવામાં આવી રહ્યું છે. કેટલાક સિક્કાઓ પર ‘રામ લક્ષ્મણ અને જાનકીજી’ અંકિત કરવામાં આવ્યા છે. અમે તમામ વસ્તુઓને સંરક્ષિત કરવા માટે કાર્ય કરી રહ્યા છીએ અને તેને સામાન્ય લોકો સુધી પહોંચાડવા સંગ્રહાલય પણ બનાવીશું.”

    ઉલ્લેખનીય છે કે, સંભલમાં તથાકથિત શાહી જામા મસ્જિદના સર્વેક્ષણ સમયે થયેલી હિંસા બાદ પ્રશાસન સતત કામ કરી રહ્યું છે અને મુસ્લિમ વિસ્તારોમાં બંધ પડેલા મંદિરો અને અન્ય સનાતન સંસ્કૃતિ સાથે સંકળાયેલા સ્થળોને શોધી-શોધીને તેને સંરક્ષિત કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયમાં સંભલ અને તેની આસપાસના વિસ્તારોમાં અનેક મંદિરો અને કુવાઓ મળી આવ્યા છે, જેમનું હિંદુ સંસ્કૃતિમાં ખૂબ મહત્વનું સ્થાન છે.