Sunday, March 23, 2025
More

    સંભલ હિંસા મામલે UP પોલીસની મોટી કાર્યવાહી: મસ્જિદ સમિતિ પ્રમુખ ઝફર અલીની અટકાયત

    ઉત્તર પ્રદેશ પોલીસે જામા મસ્જિદ સદર ચીફ અને શાહી મસ્જિદ સમિતિના અધ્યક્ષ ઝફર અલીને કસ્ટડીમાં લીધા છે. આ કાર્યવાહી 24 નવેમ્બર, 2024ના રોજ સંભલમાં થયેલી હિંસા મામલે કરવામાં આવી છે. 

    UP પોલીસની SITએ રવિવારે (23 માર્ચ) સવારથી ઝફર અલીની પૂછપરછ શરૂ કરી હતી. ત્યારબાદ મસ્જિદ પ્રમુખને કસ્ટડીમાં લેવામાં આવ્યા. પોલીસ અનુસાર સરવે વિશે સૌથી પહેલી જાણકારી ઝફર અલીને જ મળી હતી. જેથી તેમની ભૂમિકા તપાસવામાં આવી રહી છે. 

    કાર્યવાહીને પગલે સંભલમાં મોટી સંખ્યામાં પોલીસ બળ ઉતારી દેવામાં આવ્યું હતું અને ખૂણેખૂણો કવર કરી લેવામાં આવ્યો હતો. 

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં ત્રણ સભ્યોના જ્યુડિશિયલ કમિશને શાહી મસ્જિદ સમિતિના સદર અને અન્ય સભ્યોને 11 માર્ચ, 2025ના રોજ લખનૌ ખાતે હાજર રહેવા જણાવ્યું હતું, પરંતુ તેઓ હાજર રહ્યા ન હતા. ત્યારબાદ 20 માર્ચે ફરીથી બોલાવવામાં આવ્યા. આ કેસમાં કમિશન 160 વ્યક્તિઓનાં નિવેદન નોંધી ચૂક્યું છે, જેમાં અધિકારીઓ પણ સામેલ છે.