Sunday, March 23, 2025
More

    યુપી વિધાનસભામાં જ ગુટખા ખાઈને થૂંકી ગયા ‘માનનીય’ ધારાસભ્ય, સ્પીકરે કરાવી સફાઈ: કહ્યું- આ હરકત કરનારા CCTVમાં કેદ, પોતે આવીને સ્વીકારી લે ભૂલ

    ઉત્તર પ્રદેશ વિધાનસભામાં (Uttar Pradesh Assembly) એક ધારાસભ્ય (MLA) પાન-મસાલો ખાઈને સદનની અંદર જ થૂંક્યા (spat out) હતા. આ ઘટનાને લઈને સ્પીકર સતીશ મહાના પોતે એક્શનમાં આવ્યા છે. પોતાની નારાજગી વ્યક્ત કરતા તેમણે કહ્યું છે કે, સવારે જ્યારે તેમને આ અંગે માહિતી મળી ત્યારે તેમણે પોતે આવીને જગ્યા સાફ કરાવી હતી. સતીશ મહાનાએ સીસીટીવી ફૂટેજમાં તે ધારાસભ્યને જોયા છે, પરંતુ તેમનું નામ જાહેર નથી કર્યું.

    વિધાનસભા અધ્યક્ષ સતીશ મહાનાએ કહ્યું કે, “હું કોઈને શરમજનક સ્થિતિમાં મૂકવા માંગતો નથી, પરંતુ જેણે પણ આવું કર્યું છે, તે મને આવીને મળે.” સ્પીકરે તમામ 403 ધારાસભ્યોને અપીલ કરી કે, વિધાનસભાને સ્વચ્છ રાખવાની જવાબદારી દરેકની છે. તેમણે ચેતવણી આપી છે કે, જો કોઈ આવું કરતું જોવા મળે તો તેને રોકવાની જવાબદારી પણ સભ્યોની છે.

    સતીશ મહાનાએ કહ્યું કે, જો ધારાસભ્ય પોતે આવીને કબૂલ કરે તો સારું રહેશે, નહીં તો તેમને બોલાવવા પડશે. આ ઘટના મંગળવારના (4 માર્ચ, 2025) રોજ બની, જ્યારે બજેટ સત્ર ચાલી રહ્યું હતું. વિધાનસભા સત્ર બુધવારના (5 માર્ચ, 2025) રોજ સમાપ્ત થશે.