ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે (5 એપ્રિલ) વક્ફ સંશોધન બિલ પાસ થવા પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે બિલ પાસ થવાની સરાહના કરતા કહ્યું હતું કે, હવે કોઈ વક્ફ બોર્ડના નામે જમીનો પર કબજો નહીં કરી શકે અને જાહેર સંપત્તિઓનો ઉપયોગ સ્કૂલ, કોલેજ, હૉસ્પિટલ અથવા ગરીબો માટે આવાસ બનાવવા માટે કરવામાં આવશે.
તેમણે કહ્યું કે, “પાછલી સરકારો પાસે પોતાના પરિવારના પેટ ભરવા સિવાય કોઈ કામ નહોતું. જમીન લૂંટવાવવા પરથી નવરાઈ મળે તો વિકાસ કરેને. દેશની સંસદે વક્ફ સુધારણા બિલ પાસ કર્યું છે. હવે વક્ફ બોર્ડના નામે કોઈ જમીનો પચાવી શકશે નહીં. હવે લૂંટફાટ પર લગામ લાગી જશે અને તે થઈ શકશે નહીં. હવે ચૌરાહાની જમીનો કોઈ લૂંટી શકશે નહીં. હવે તે જમીનો જાહેર જમીનો હશે.”
તેમણે વધુમાં કહ્યું કે, “તે જમીનોનો ઉપયોગ હૉસ્પિટલ, વિદ્યાલય, કોલેજ અને ગરીબોના આવાસ માટે કરવામાં આવશે. કેન્દ્ર સરકારે વક્ફ બોર્ડના નામે થતી લૂંટફાટ પર હંમેશા માટે લગામ લગાવવાનું કામ કર્યું છે.” આ સાથે જ તેમણે વક્ફ બિલ પાસ થવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.